મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોરની કુલ લંબાઈ 508 કિલોમીટર છે. આ કોરિડોરમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને દાદરા-નગર હવેલીના વિસ્તારોનો સમાવેશ થાય છે. રેલવે મંત્રાલયની વિગતો મુજબ પ્રોજેક્ટમાં ટ્રેક અને વીજળીકરણ સહિતના વિવિધ કામો ઝડપથી આગળ વધી રહ્યા છે. ટ્રેનને હાઈ-સ્પીડ દોડાવવા માટે ખાસ ઓવરહેડ ઇલેક્ટ્રિફિકેશન સિસ્ટમ તૈયાર કરવામાં આવી રહી છે.
22 હજાર OHE માસ્ટ અને 25,700 કેન્ટિલીવર એસેમ્બલી
પ્રોજેક્ટના વીજળીકરણના કામમાં મોટા પાયે માળખાકીય સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે.
- 1,125 ટ્રેક કિલોમીટર પર કામ ચાલી રહ્યું છે.
- ટ્રેક પર વીજળીના વાયરોને સપોર્ટ આપવા માટે 22,000 OHE માસ્ટ લગાવવામાં આવી રહ્યા છે.
- ઓવરહેડ વાયર સિસ્ટમ માટે 25,700 કેન્ટિલીવર એસેમ્બલી ફિટ કરવામાં આવી રહી છે.
નવસારી નજીક ચાલી રહેલું ઇલેક્ટ્રિફિકેશનનું કામ પ્રોજેક્ટના મહત્વપૂર્ણ તબક્કાઓ પૈકીનું એક છે.
320 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે બુલેટ ટ્રેન
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનની મહત્તમ ઓપરેશનલ સ્પીડ 320 કિલોમીટર પ્રતિ કલાક રાખવામાં આવી છે. હાલ મુંબઈથી અમદાવાદ વચ્ચે ટ્રેન મારફતે મુસાફરીમાં આશરે 6 કલાક જેટલો સમય લાગી શકે છે. બુલેટ ટ્રેન સેવા શરૂ થયા બાદ ઝડપી સેવાઓમાં આ મુસાફરીનો સમય ઘટીને લગભગ 2 કલાક સુધી પહોંચવાની અપેક્ષા છે. જો, કે મુસાફરીનો ચોક્કસ સમય ટ્રેનના સ્ટોપેજ અને સેવા પેટર્ન પર આધારિત રહેશે.
મુંબઈથી અમદાવાદ સુધી 12 સ્ટેશનો
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરમાં કુલ 12 સ્ટેશનો નિર્ધારિત કરવામાં આવ્યા છે:
- મુંબઈ (BKC)
- ઠાણે
- વિરાર
- બોઈસર
- વાપી
- બિલિમોરા
- સુરત
- ભરૂચ
- વડોદરા
- આણંદ
- અમદાવાદ
- સાબરમતી
ગુજરાત માટે પણ પ્રોજેક્ટ બનશે મહત્વપૂર્ણ
બુલેટ ટ્રેન પ્રોજેક્ટથી મુંબઈ અને અમદાવાદ વચ્ચે ઝડપી કનેક્ટિવિટી ઊભી થવાની સાથે સુરત, વડોદરા, ભરૂચ, આણંદ અને અન્ય શહેરોને પણ ફાયદો થવાની અપેક્ષા છે.




Leave a Comment