ભૂમિ પેડનેકર તાજેતરમાં યોજાયેલા ‘સર્વોત્તમ નાગરિક સન્માન 2026’ ઈવેન્ટમાં પહોંચી હતી. રેડ કાર્પેટ પર જ્યારે તે પેપરાઝી (ફોટોગ્રાફર્સ) સામે અલગ-અલગ પોઝ આપી રહી હતી ત્યારે જ અચાનક બેકગ્રાઉન્ડમાં દેશનું રાષ્ટ્રગાન ‘જન ગણ મન’ વાગવા લાગ્યું. રાષ્ટ્રગાનનો અવાજ કાને પડતાં જ ભૂમિએ ક્ષણનો પણ વિલંબ કર્યા વિના ફોટોગ્રાફર્સને કેમેરા રોકવાનો ઈશારો કર્યો હતો.
તે તુરંત જ સ્ટેજ પરથી નીચે ઊતરી ગઈ અને આદર સાથે સાવધાનની મુદ્રામાં ઊભી રહી ગઈ હતી. કેમેરા સામે ઝળકવા કરતાં દેશના રાષ્ટ્રગાનનું સન્માન જાળવવાનો ભૂમિનો આ અંદાજ સોશિયલ મીડિયા પર લોકોના દિલ જીતી રહ્યો છે.
સોશિયલ મીડિયા પર ફેન્સની પ્રતિક્રિયાઓ
ભૂમિ પેડનેકરના આ જેસ્ચરનો વિડીયો ઈન્ટરનેટ પર વાયરલ થતાં જ ફેન્સે તેના પર લાઈક્સ અને કમેન્ટ્સનો વરસાદ કર્યો હતો. એક યુઝરે લખ્યું: “ફેમ કે કેમેરાનો કોઈ મોહ નહીં- પહેલા દેશ! બોલિવૂડમાં આવાં સંસ્કાર આજે ક્યાં જોવા મળે છે? ભૂમિને સલામ.” અન્ય એક ફેને લખ્યું: “જે રીતે તેણે તુરંત રોકાઈને રાષ્ટ્રગાનનું આદરપૂર્વક સન્માન કર્યું, તે ખરેખર હૃદયસ્પર્શી અને પ્રેરણાદાયી છે.”
CJP પ્રોટેસ્ટ પર નિવેદન આપી ચર્ચામાં આવી હતી
આ અગાઉ ભૂમિ પેડનેકર જંતર-મંતર પર CJPના પ્રદર્શન દરમિયાન વાપરવામાં આવેલી ભાષા પર સવાલ ઉઠાવીને ચર્ચામાં આવી હતી. તેણે વીડિયો શેર કરીને કહ્યું હતું કે, “દેશના વડાપ્રધાન એક સર્વોચ્ચ બંધારણીય પદ પર છે, શું આપણે આપણા ઘરના વડીલો સાથે આવી ભાષામાં વાત કરીએ છીએ?” ભૂમિના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર બે જૂથ પડી ગયા હતા, જ્યાં કેટલાક લોકોએ તેનું સમર્થન કર્યું હતું તો કેટલાકે તેને નિશાન બનાવી હતી.
ભૂમિ પેડનેકરનો વર્કફ્રન્ટ અને ફિલ્મો
બોલિવૂડમાં ‘દમ લગા કે હઈશા’ થી ડેબ્યૂ કરનાર ભૂમિ પેડનેકર સામાજિક મુદ્દાઓ પર બનેલી ફિલ્મો માટે જાણીતી છે.
- તાજેતરની ફિલ્મો: તેની છેલ્લી રિલીઝ થયેલી ફિલ્મ ‘ભારત ભાગ્ય વિધાતા’ હતી. આ સિવાય તેની ‘મેરે હસબન્ડ કી બીવી’, ‘ખેલ ખેલ મેં’, ‘ભક્ષક’, ‘ધ લેડી કિલર’ અને ‘થિંક યુ ફોર કમિંગ’ જેવી ફિલ્મો પણ ચર્ચામાં રહી છે.
- ઓટીટી ડેબ્યૂ: તેણે ક્રાઈમ થ્રિલર વેબ સિરીઝ ‘દલદલ’ (Daldal) માં એક પોલીસ અધિકારીની ભૂમિકા ભજવીને ઓટીટી (OTT) સ્પેસમાં પણ પોતાની છાપ છોડી છે.




Leave a Comment