રેલવે વિભાગે આ નવો પ્રયોગ વર્તમાન પેઢીની પસંદગી અને સોશિયલ મીડિયાના વ્યાપને ધ્યાનમાં રાખીને રજૂ કર્યો છે. ટૂંકી અને આકર્ષક રીલ્સ દ્વારા મુસાફરોને ટ્રેનનું નામ, નંબર, ચાલુ થવાની તારીખો, સમયપત્રક અને મુખ્ય સ્ટેશનો જેવી જરૂરી તમામ માહિતી આંખના પલકારામાં મળી જાય છે. આટલું જ નહીં, રેલવેની આ રીલ્સમાં જે-તે ટ્રેન જે રૂટ પરથી પસાર થાય છે ત્યાં આવેલા પ્રખ્યાત ધાર્મિક, ઐતિહાસિક અને પ્રવાસી સ્થળોના સુંદર દ્રશ્યની ઝાંખી પણ દર્શાવવામાં આવે છે, જેથી મુસાફરો તેમની મુસાફરી પહેલાં જ આહલાદક અનુભવ કરી શકે.
ટ્રેન્ડિંગ મ્યુઝિક અને અલ્ગોરિધમનો ઉપયોગ કરીને પીઆર ટીમ તૈયાર કરે છે વીડિયો
આ સર્જનાત્મક સામગ્રી કોઈ સામાન્ય રીતે નથી બનતી, પરંતુ રેલવેના પબ્લિક રિલેશન્સ (PR) પ્રોફેશનલ્સ અને સોશિયલ મીડિયા એક્સપર્ટ્સ દ્વારા તૈયાર કરવામાં આવે છે. આ ટીમો સોશિયલ મીડિયાના અલ્ગોરિધમ અને લોકોની પસંદગીને સારી રીતે સમજે છે. ટ્રેન્ડિંગ મ્યુઝિક, આકર્ષક ટેક્સ્ટ અને ઉત્તમોત્તમ વિઝ્યુઅલ્સ સાથે માત્ર 30 થી 40 સેકન્ડની રીલ્સ બનાવવામાં આવે છે, જેથી યુઝર્સ તેને સરળતાથી સમજી શકે અને મિત્રો સાથે શેર પણ કરી શકે. જેમ કે, તાજેતરમાં કાનપુરથી બેંગલુરુ વચ્ચે દોડતી સ્પેશિયલ ટ્રેન માટે ખાસ 38-સેકન્ડની રીલ બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી હતી.
સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ્સ પર માહિતીનો સુમેળ
આ રીલ્સ માત્ર ઈન્સ્ટાગ્રામ સુધી સીમિત નથી. રેલવે વિભાગ આ વીડિયોઝને ફેસબુક, એક્સ, ઇન્સ્ટાગ્રામ અને વિવિધ વોટ્સએપ ગ્રુપ્સમાં પણ વ્યાપકપણે પ્રસારિત કરી રહ્યું છે. ઉદાહરણ તરીકે, પ્રયાગરાજ અને દાદરી વચ્ચે દોડતી ખાસ ટ્રેનના રૂટ લંબાવીને નારાયણપુર બજાર સુધી કરવામાં આવ્યો, ત્યારે આ માહિતી સામાન્ય જનતા સુધી પહોંચાડવા માટે રેલવેએ રીલ બનાવીને પોસ્ટ કરી હતી. પરિણામે, સેંકડો મુસાફરો સુધી આ મહત્વપૂર્ણ સમાચાર પળવારમાં પહોંચી ગયા હતા.




Leave a Comment