ગુજરાત વિધાનસભામાં રાજ્ય સરકારે રજૂ કરેલી માહિતી મુજબ, 2024-25 દરમિયાન ગિફ્ટ સિટીમાં 3,716.28 લિટર વિદેશી દારૂનું વેચાણ થયું હતું, જ્યારે 2025-26 દરમિયાન આ આંકડો વધીને 55,638.19 લિટર થયો હતો. એટલે કે માત્ર એક વર્ષમાં દારૂના વેચાણમાં અનેક ગણો વધારો નોંધાયો છે.
ગિફ્ટ સિટીમાં વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી કેમ શરૂ કરાઈ?
ગિફ્ટ સિટીમાં મોટી સંખ્યામાં કોર્પોરેટ ઓફિસો અને ઇન્ટરનેશનલ એક્સચેન્જ સાથે દેશ-વિદેશના લોકો, ઉદ્યોગપતિઓ અને અધિકારીઓની અવરજવર રહે છે. ગિફ્ટ સિટીના વિકાસ અને આંતરરાષ્ટ્રીય બિઝનેસ હબ તરીકેની ઓળખને ધ્યાનમાં રાખીને સરકારે અહીં વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી શરૂ કરી હતી. આ સુવિધા શરૂ થયા બાદ નિર્ધારિત વિસ્તારોમાં દારૂના સેવન અને વેચાણને મંજૂરી આપવામાં આવી છે.
એક વર્ષમાં વેચાણ 3,716થી વધીને 55,638 લિટર થયું
ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ગૃહ વિભાગે આ અંગેની વિગતો આપી હતી. સરકારના જણાવ્યા મુજબ, 1 ઓગસ્ટ 2024થી 31 જુલાઈ 2025 દરમિયાન ગિફ્ટ સિટીના વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી વિસ્તારમાં 3,716.28 લિટર વિદેશી દારૂ વેચાયો હતો. ત્યારબાદ 1 ઓગસ્ટ 2025થી 31 જુલાઈ 2026 દરમિયાન વેચાણ વધીને 55,638.19 લિટર થયું હતું. આમ, એક જ વર્ષમાં વેચાણમાં આશરે 15 ગણો ઉછાળો નોંધાયો છે.
બે વર્ષમાં સરકારને 87 લાખથી વધુની આવક
રાજ્ય સરકારે ગિફ્ટ સિટીમાં ડિસેમ્બર 2023માં વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી શરૂ કરી હતી. આ અંતર્ગત હોટેલ, રેસ્ટોરન્ટ અને ક્લબ જેવી જગ્યાઓમાં નિર્ધારિત વિસ્તારોમાં કર્મચારીઓ તેમજ બહારથી આવતા લોકોને બેસીને દારૂનું સેવન કરવાની મંજૂરી આપવામાં આવે છે. વેચાણમાં થયેલા આ મોટા ઉછાળાને કારણે બે વર્ષ દરમિયાન વિદેશી દારૂના વેચાણમાંથી સરકારને 87.39 લાખ રૂપિયાથી વધુની આવક થઈ હોવાનું વિધાનસભામાં રજૂ કરાયેલી માહિતીમાં જણાવાયું છે.



