‘ટોક્સિક’ ફિલ્મને આશરે ₹300થી ₹350 કરોડનું ભારી નુકસાન સહન કરવું પડી શકે છે. ફિલ્મનું પ્રોડક્શન બજેટ અંદાજે ₹450 કરોડ હતું, જ્યારે પબ્લિસિટી, રિલિઝ અને વ્યાજ જેવા ખર્ચ ઉમેરતાં કુલ રોકાણ ₹500 કરોડથી વધુ થઈ જાય છે.
રિલિઝના 15 દિવસ બાદ પણ ફિલ્મનું કુલ ગ્લોબલ કલેક્શન માત્ર ₹339.32 કરોડ આસપાસ જ પહોંચી શક્યું હતું, જેના કારણે ફિલ્મ પોતાનું પ્રોડક્શન બજેટ મેળવવામાં પણ નિષ્ફળ રહી છે. નોંધનીય છે કે, બોક્સ ઓફિસ કલેક્શનનો મોટો ભાગ થિયેટર માલિકો અને ડિસ્ટ્રિબ્યુટર્સમાં વહેંચાતો હોવાથી પ્રોડ્યુસર્સના હાથમાં ઘણો ઓછો હિસ્સો આવ્યો છે.
OTT ડીલની વ્યૂહરચનામાં થયેલી મોટી ભૂલ
થિયેટ્રિકલ રન નબળો પડવાની સાથે ફિલ્મની નોન-થિયેટ્રિકલ કમાણી પર પણ માઠી અસર પડી છે. અહેવાલો મુજબ, મેકર્સે ફિલ્મ રિલિઝ થતાં પહેલાં ઓટીટી ડીલ ફાઇનલ કરી નહોતી. મેકર્સને આશા હતી કે ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થશે તો ડિજિટલ રાઇટ્સના વધુ ભાવ મળશે,
પરંતુ ગણિત ઊંધું પડ્યું. વિશ્લેષકોના મતે જો ઓટીટી રાઇટ્સ પહેલાંથી વેચી દેવાયા હોત તો નુકસાન ₹100 કરોડ જેટલું ઓછું થઈ શક્યું હોત. અગાઉ જે ઓટીટી રાઇટ્સના ₹200 કરોડ મળવાની અપેક્ષા હતી, તેના હવે માત્ર ₹30 કરોડ આસપાસ મળવાની શક્યતા સેવાઈ રહી છે.
‘ગેમ ચેન્જર’ અને ‘આદિપુરુષ’ સાથે સરખામણી
‘ટોક્સિક’ના આ નાણાકીય આઘાતની સરખામણી હવે રામ ચરણની ‘ગેમ ચેન્જર’ અને પ્રભાસની ‘આદિપુરુષ’ સાથે થઈ રહી છે. ₹300-400 કરોડના બજેટમાં બનેલી ‘ગેમ ચેન્જર’ને આશરે ₹200 કરોડનું નુકસાન થયું હતું,
જ્યારે ₹500-700 કરોડના બજેટવાળી ‘આદિપુરુષ’ને આશરે ₹220 કરોડનું ગંભીર નુકસાન વેઠવું પડ્યું હતું. જો ‘ટોક્સિક’ માટે ₹300 કરોડથી વધુના ખાધના આંકડા સાચા ઠરશે, તો તે ભારતીય સિનેમાના ઇતિહાસમાં સૌથી મોટો નાણાકીય ફટકો સહન કરનારી ફિલ્મોની યાદીમાં સામેલ થઈ જશે.
અન્ય ફિલ્મોની હરીફાઈ અને યશની લાગણી
આ ભવ્ય ફિલ્મને બોક્સ ઓફિસ પર ‘મિર્ઝાપુર: ધ મૂવી’ અને ‘હનુમાન અંશ’ જેવી નવી ફિલ્મો તરફથી આકરી સ્પર્ધાનો સામનો કરવો પડ્યો હતો. જેવી આ ફિલ્મોએ વેગ પકડ્યો કે તરત જ ‘ટોક્સિક’ના શો અને સ્ક્રીન્સની સંખ્યા ઝડપથી ઘટાડી દેવામાં આવી હતી.
યશના એક નજીકના મિત્રએ ખુલાસો કર્યો હતો કે આ ફિલ્મના અણધાર્યા ફ્લોપ થવાથી યશ માનસિક રીતે ખૂબ ભાંગી પડ્યા છે અને તેમનું આ દર્દ તેમની વાતોમાં પણ સ્પષ્ટપણે અનુભવી શકાય છે.



