ઘણી વખત લોકો ઉતાવળમાં એગ્રીમેન્ટ વાંચ્યા વગર સહી કરી દે છે અને પછી ભાડું, ડિપોઝિટ, રિપેરિંગ કે સોસાયટીના નિયમોને લઈને મકાનમાલિક સાથે વિવાદ થાય છે. તેથી એગ્રીમેન્ટ સાઈન કરતા પહેલાં કેટલીક બાબતો ચોક્કસ ચેક કરવી જરૂરી છે.
ભાડું અને એગ્રીમેન્ટની મુદત ચેક કરો
સૌથી પહેલાં એગ્રીમેન્ટમાં માસિક ભાડું કેટલું નક્કી થયું છે અને ભાડું કઈ રીતે ચૂકવવાનું છે તે તપાસો. સાથે જ દર વર્ષે ભાડામાં કેટલા ટકાનો વધારો થશે તે સ્પષ્ટ લખાયેલું હોવું જોઈએ. આ વિગતો ન હોય તો સહી કરતા પહેલાં મકાનમાલિક સાથે વાત કરીને તેને એગ્રીમેન્ટમાં સામેલ કરાવો. 11 મહિનાથી વધુ સમયગાળાના એગ્રીમેન્ટ માટે લાગુ પડતી રજિસ્ટ્રેશનની કાનૂની જરૂરિયાત પણ ચેક કરવી જરૂરી છે.
મોડું ભાડું અને સિક્યોરિટી ડિપોઝિટની શરતો
ક્યારેક કોઈ કારણસર ભાડું સમયસર ચૂકવવામાં મોડું થઈ શકે છે. તેથી એગ્રીમેન્ટમાં લેટ ફી અથવા પેનલ્ટીની શરતો સ્પષ્ટ છે કે નહીં તે તપાસો. આ ઉપરાંત ઘર ખાલી કરતી વખતે સિક્યોરિટી ડિપોઝિટ કઈ શરતો હેઠળ અને કેટલા સમયગાળામાં પરત મળશે તે પણ લેખિતમાં હોવું જોઈએ. આ બાબતો સ્પષ્ટ હોવાથી ભવિષ્યમાં ડિપોઝિટને લઈને વિવાદની શક્યતા ઘટે છે.
જૂના બિલ અને સુવિધાઓના ચાર્જિસ
ઘરની ચાવી લેતાં પહેલાં વીજળી, પાણી, હાઉસ ટેક્સ અને સોસાયટી મેન્ટેનન્સના અગાઉના તમામ બાકી બિલ ક્લિયર છે કે નહીં તેની ખાતરી કરો. જૂના ભાડૂઆતનું બાકી તમારા પર ન આવે તેનું ખાસ ધ્યાન રાખો. જો સોસાયટીમાં જીમ, ક્લબ હાઉસ, સ્વિમિંગ પૂલ અથવા પાર્કિંગ જેવી સુવિધાઓનો ઉપયોગ કરવાનો હોય, તો તેના ચાર્જિસ કોણ ચૂકવશે તે પણ એગ્રીમેન્ટમાં સ્પષ્ટ કરાવવું યોગ્ય છે.
ઘરનો ખૂણે-ખૂણો તપાસ્યા બાદ જ શિફ્ટ થાઓ
એગ્રીમેન્ટ ફાઈનલ કરતા પહેલાં ઘરની સ્થિતિ સારી રીતે તપાસો. દીવાલોનો પેઈન્ટ, ફ્લોર, વીજળીના બોર્ડ, કિચન અને બાથરૂમના નળ-પાઈપ સહિતની વસ્તુઓ ચેક કરી લો. કોઈ વસ્તુ પહેલેથી તૂટેલી કે ખરાબ હોય તો મકાનમાલિકને જાણ કરીને શિફ્ટ થતાં પહેલાં તેનું સમારકામ કરાવી લો. શક્ય હોય તો ઘરની હાલતના ફોટા પણ સાચવી રાખો, જેથી બાદમાં જૂના નુકસાન માટે તમારી પાસેથી પૈસા ન માગવામાં આવે.



