અમદાવાદ શહેરમાં મોડી સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ત્યારબાદ અનેક વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે ભારે વરસાદ શરૂ થયો હતો. બોપલ, શીલજ, પકવાન, માનસી સર્કલ, શેલા અને ઘુમા ઉપરાંત મકરબા, SG હાઇવે અને વસ્ત્રાપુર સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો.
ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા
મોડી સાંજે પડેલા વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યું હતું. ભારે વરસાદ અને ગાજવીજના કારણે વાહનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદને પગલે શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લાંબા સમય બાદ અમદાવાદમાં ફરી એકવાર રાત્રિના સમયે ભારે વરસાદનો માહોલ જોવા મળ્યો હતો.
25 સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી
હવામાન વિભાગે આગામી 25 સપ્ટેમ્બર સુધી અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જેના કારણે આગામી દિવસોમાં પણ અમદાવાદમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. શહેરમાં અચાનક બદલાતા હવામાન વચ્ચે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ પર પણ નજર રહેશે.



