બનાસકાંઠાના લોકપ્રિય કન્ટેન્ટ ક્રિએટર ચંદન રાઠોડ ઉર્ફે ‘ગુજ્જુ લવ ગુરુ’ના અકાળે નિધનથી પરિવાર સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં શોકનો માહોલ છે. જોકે, આ કરુણ ઘટનાની સૌથી હૃદયદ્રાવક બાબત એ છે કે ચંદન રાઠોડની માતા હેતલબેનને હજુ સુધી તેમના દીકરાના નિધનની જાણ કરવામાં આવી નથી. હેતલબેન મગજની ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા છે અને તેમની સારવાર ચાલી રહી હોવાથી પરિવારજનોએ આ આઘાતજનક સમાચાર તેમનાથી છુપાવી રાખ્યા છે.
દીકરો ઘરે આવે પછી જ જમતા હતા માતા
પરિવારજનો અને સ્થાનિકોના જણાવ્યા મુજબ, ચંદન રાઠોડ અને તેમની માતા વચ્ચે ખૂબ જ ગાઢ લાગણીસભર સંબંધ હતો.
ચંદન જ્યારે પણ બહારથી કામ પતાવીને ઘરે પરત ફરતા, ત્યાર બાદ જ હેતલબેન જમવા બેસતા હતા. જો ચંદનને ઘરે આવવામાં થોડું મોડું થાય તો તેઓ પાડોશીઓને ફોન કરાવીને દીકરો ક્યારે ઘરે આવશે તે અંગે પૂછપરછ કરતા હતા.
ચંદન હેમખેમ ઘરે પરત આવે તે માટે હેતલબેન ગામના મંદિરે જઈને માનતાઓ પણ રાખતા હતા. દીકરા પ્રત્યેનો તેમનો આ લગાવ આજે પરિવાર માટે વધુ હૃદયદ્રાવક બની ગયો છે.
‘સવારે બાઈક લઈને નીકળ્યો હતો, પછી શું થયું ખબર નથી’
ચંદનના નિધનથી અજાણ હેતલબેને ‘વિથ દિનેશ’ના ફાઉન્ડર દિનેશ સિંધવ સાથે વાતચીત દરમિયાન પોતાની ભોળી શૈલીમાં જણાવ્યું હતું કે, “ચંદન સવારે ઘરેથી બાઈક લઈને નીકળ્યો હતો.
તે ભાભર જતો હતો કે અન્ય ક્યાંય તે મને ખબર નથી અને રસ્તામાં તેને શું થયું તેની પણ મને જાણ નથી.” દીકરાના નિધનથી અજાણ માતા આજે પણ ચંદનની રાહ જોઈ રહ્યા છે. તેમની આ સ્થિતિ જોઈને ઘરે આવતા-જતા સંબંધીઓ અને ગ્રામજનો પણ ભાવુક બની રહ્યા છે.



