ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ ‘એનાલોગ પનીર’ના વેચાણ અને લેબલિંગ સંદર્ભે એક નવો ડ્રાફ્ટ જાહેર કર્યો છે. આ નીતિનો મુખ્ય હેતુ ગ્રાહકોને ભ્રમ અને છેતરપિંડીથી બચાવવાનો છે, જેથી કરીને બજારમાંથી ખરીદી કરતી વખતે ગ્રાહકને સ્પષ્ટ ખબર પડી શકે કે, તેઓ અસલી ડેરી પનીર ખરીદી રહ્યા છે કે સ્ટાર્ચ-તેલમાંથી બનાવેલ કૃત્રિમ વિકલ્પ.
જાહેર જનતા અને ડેરી ઉદ્યોગ પાસેથી 60 દિવસમાં માંગવામાં આવ્યા સૂચનો
FSSAI દ્વારા આ પ્રસ્તાવિત ડ્રાફ્ટ પર સામાન્ય નાગરિકો તેમજ ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ પાસેથી મંતવ્યો અને વાંધાઓ માંગવામાં આવ્યા છે. કોઈપણ વ્યક્તિ અથવા સંસ્થા આગામી 60 દિવસના સમયગાળા દરમિયાન પોતાના સુચનો સત્તાવાર રીતે નોંધાવી શકે છે. પ્રાપ્ત થયેલા તમામ સૂચનો અને અભિપ્રાયોની સમીક્ષા કર્યા બાદ જ આ નિયમને આખરી ઓપ આપવામાં આવશે. હાલમાં આ એક પ્રસ્તાવ છે અને અંતિમ મંજૂરી મળ્યા બાદ જ તેને સમગ્ર દેશમાં કડક રીતે લાગુ કરવામાં આવશે.
શું એનાલોગ પનીર સ્વાસ્થ્ય માટે હાનિકારક છે?
કેવળ ‘એનાલોગ પનીર’ હોવું એ સ્વાસ્થ્ય માટે સીધી રીતે નુકસાનકારક નથી હોતું પરંતુ, ખરી સમસ્યા ત્યારે ઊભી થાય છે જ્યારે તેને બનાવવામાં હલકી ગુણવત્તાનું વેજિટેબલ ઓઇલ, પામ ઓઇલ અથવા અસુરક્ષિત કાચો માલ વાપરવામાં આવે. આ પ્રકારનું બનાવટી પનીર જો સતત ખોરાકમાં લેવામાં આવે તો પાચનતંત્રની સમસ્યાઓ, કોલેસ્ટ્રોલ વધવું અને હૃદય સંબંધિત બિમારીઓ થવાનું જોખમ વધી જાય છે.
ગુજરાત અને ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં લાગૂ કરાયો પ્રતિબંધ
તાજેતરમાં ગુજરાત, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશની રાજ્ય સરકારોએ એનાલોગ પનીરના ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર કડક નિયંત્રણો અને પ્રતિબંધો લાદ્યા છે. વાસ્તવમાં, અનેક વેપારીઓ આ કૃત્રિમ પનીરને શુદ્ધ ‘ડેરી પનીર’ કહીને વેચી રહ્યા હતા, જેનાથી ગ્રાહકો સાથે મોટો વિશ્વાસઘાત થઈ રહ્યો હતો. આ ઉપરાંત, ઉત્પાદન દરમિયાન ફૂડ સેફ્ટીના ધોરણો અને યોગ્ય લેબલિંગની સતત અવગણના કરવામાં આવી રહી હતી.
અસલી અને એનાલોગ પનીર ઓળખવાના 3 સરળ ઘરગથ્થુ ઉપાયો
- આયોડિન સોલ્યુશન ટેસ્ટ: પનીરના એક નાના ટુકડાને પાણીમાં ઉકાળીને ઠંડુ થવા દો અને તેના પર આયોડિન સોલ્યુશનના થોડા ટીપાં નાખો. જો પનીરનો રંગ વાદળી (Blue) થઈ જાય, તો તેમાં સ્ટાર્ચ અથવા મિલાવટ હાજર છે.
- હાથથી મસળીને ચકાસણી: શુદ્ધ પનીરને હાથથી મસળવાથી તે સોફ્ટ હોવાને કારણે આસાનીથી તૂટીને વિખેરાઈ જાય છે, જ્યારે એનાલોગ પનીરમાં સ્ટાર્ચ અને કેમિકલ હોવાથી તે રબરની જેમ ખેંચાય છે.
- ગરમ પાણી ટેસ્ટ: ગરમ પાણીમાં નાખવાથી શુદ્ધ પનીર વધુ નરમ બની જાય છે, જ્યારે હલકી ગુણવત્તાવાળા એનાલોગ પનીરમાંથી તેલ અલગ તરતું જોવા મળે છે.
વધારાની માહિતી
- હોટેલ અને રેસ્ટોરન્ટ્સ માટે નિયમો: FSSAIના નવા પ્રસ્તાવ મુજબ માત્ર પેકેજ્ડ ફૂડ જ નહીં, પરંતુ હોટેલ્સ અને રેસ્ટોરન્ટ્સે પણ તેમના મેનૂ કાર્ડ પર સ્પષ્ટ લખવું પડશે કે તેઓ વાનગીઓમાં શુદ્ધ ડેરી પનીર વાપરે છે કે એનાલોગ પનીર.
- દૂધના ફેટ અને પ્રોટીનનો અભાવ: એનાલોગ પનીરમાં દૂધમાંથી મળતા કુદરતી કેલ્શિયમ અને પ્રોટીનની જગ્યાએ પ્રોસેસ્ડ ફેટ હોય છે, જે બાળકો અને ફિટનેસ પ્રેમીઓ માટે પોષણની દ્રષ્ટિએ નકામું સાબિત થાય છે.



