લોડ થઈ રહ્યું છે...
--:--:--

બનાસકાંઠામારું ગુજરાત

‘દગો કરીને પતિને મારી નાખ્યા!’ ‘ગુજ્જુ લવ ગુરુ’ના મોત બાદ પત્નીના ગંભીર આરોપથી ખળભળાટ, શું છે સમગ્ર મામલો?

by

Thenewsdk

Updated: 24-09-2026, 03.22 PM

Follow us:

બનાસકાંઠાના લોકપ્રિય કન્ટેન્ટ ક્રિએટર ચંદન રાઠોડના આકસ્મિક અને શંકાસ્પદ સંજોગોમાં થયેલા નિધનથી ભારે અરેરાટી વ્યાપી છે. તેમના મોત બાદ હવે પરિવાર તરફથી ગંભીર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. ‘વિશેષ વિથ દિનેશ’ના ફાઉન્ડર દિનેશ સિંધવ સાથેની વાતચીતમાં ચંદન રાઠોડના પત્ની વિમળાબેને દાવો કર્યો છે કે તેમના પતિ સાથે મોટો દગો થયો છે અને કોઈકે તેમને છેતરીને મારી નાખ્યા છે.

ચંદન રાઠોડ ઘરેથી સંપૂર્ણ સ્વસ્થ હાલતમાં શૂટિંગ માટે નીકળ્યા હતા
પતિના અંતિમ દિવસ અંગે વાત કરતાં વિમળાબેને જણાવ્યું હતું કે ચંદન રાઠોડ ઘરેથી સંપૂર્ણ સ્વસ્થ હાલતમાં શૂટિંગ માટે નીકળ્યા હતા. તેમણે કહ્યું હતું કે, “હું શૂટિંગ પતાવીને હમણાં જ પાછો આવું છું.” ત્યારબાદ તેરવાડા પહોંચ્યા ત્યારે પણ તેમણે ફોન કરીને ઘરે જમવાનું બનાવી રાખવા કહ્યું હતું.

જોકે, ત્યાંથી પરત ફરતી વખતે તેમની સાથે આ ઘટના બની હતી. પત્નીના જણાવ્યા મુજબ, ચંદન અગાઉ પણ ઘણી વખત રાત્રે મોડા ઘરે આવતા હતા અને બાઈક પરથી પડ્યા પણ હતા, પરંતુ આ પ્રકારની ઘટના ક્યારેય બની નહોતી.

તેઓ ખૂબ જ દયાળુ અને મદદરૂપ સ્વભાવના હતા
વિમળાબેને પોતાના પતિના સ્વભાવ અંગે વાત કરતાં જણાવ્યું કે તેઓ ખૂબ જ દયાળુ અને મદદરૂપ સ્વભાવના હતા. લગ્નજીવન દરમિયાન બંને વચ્ચે ક્યારેય મોટો ઝઘડો થયો નહોતો અને ચંદન પરિવારની દરેક જરૂરિયાતનું ધ્યાન રાખતા હતા.

તેમણે લગ્ન બાદ વીડિયો બનાવવાનું શરૂ કર્યું હતું અને તે સમયે પરિવાર મોરબીમાં રહેતો હતો. ઘરની આર્થિક સ્થિતિ સારી ન હોવા છતાં ચંદનના વીડિયો બનાવવાના નિર્ણયને પત્નીનો પણ સંપૂર્ણ સહકાર મળ્યો હતો. તેમના જણાવ્યા મુજબ, ચંદનને પૈસાનો કોઈ મોહ નહોતો અને તેઓ કમાણીના પૈસા ઘરે આપી દેતા હતા.

તેમની સાથે કોઈએ છેતરપિંડી કરી હોવાની તેમને શંકા
પત્નીએ વધુમાં જણાવ્યું હતું કે ચંદન બહારના લોકોને પણ શક્ય તેટલી મદદ કરતા હતા અને પરિવાર માટે તેઓ મુખ્ય આધાર હતા. પોતાના પતિના મોતને લઈને વિમળાબેને ફરી એકવાર દાવો કર્યો કે તેમની સાથે કોઈએ છેતરપિંડી કરી હોવાની તેમને શંકા છે અને તેમને છેતરીને મારી નાખવામાં આવ્યા હોવાનો આરોપ તેમણે લગાવ્યો છે.

જોકે, આ આરોપો હાલ પરિવારના પક્ષે કરવામાં આવેલા દાવા છે અને ઘટનાના ચોક્કસ કારણો તથા મોત પાછળની હકીકત તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકે છે. ચંદનના નિધનથી તેમના બે નાના બાળકો સહિત સમગ્ર પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

Related Latest News

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤