અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં નરોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ સામે નશાની હાલતમાં કાર ચલાવી અકસ્માત સર્જવાનો ગંભીર આરોપ લાગ્યો છે. 21 સપ્ટેમ્બરની રાત્રે ક્રેટા કાર ચલાવી રહેલા કોન્સ્ટેબલ ગૌરાંગ બળદેવ દવેએ એક્ટિવાને પાછળથી ટક્કર મારતાં તેના પર સવાર 40 વર્ષીય આશિષ મહેન્દ્રભાઈ પટેલ અને તેમની 15 વર્ષની ભત્રીજી રોડ પર પટકાયા હતા. અકસ્માતમાં સગીરાને હાથ અને પગના ભાગે ઈજા થઈ હતી.
પૂરઝડપે આવતી ક્રેટાએ એક્ટિવાને મારી ટક્કર
પ્રાપ્ત વિગતો મુજબ, 21 સપ્ટેમ્બરની રાત્રે આશરે 11 વાગ્યે કાસિન્દ્રાના રહેવાસી આશિષ પટેલ પોતાની 15 વર્ષની ભત્રીજીને એક્ટિવા પર બેસાડીને સપ્તેશ્વર મહાદેવ મંદિર પાસેથી ચાંદખેડા તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન સ્નેહ પ્લાઝા રોડ તરફથી પૂરઝડપે આવેલી ક્રેટા કારના ચાલકે એક્ટિવાને પાછળથી ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કાકા-ભત્રીજી બંને રસ્તા પર પટકાયા હતા અને સગીરાને ડાબા હાથ તથા પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી.
અકસ્માત બાદ ભાગવાનો પ્રયાસ, લોકોએ પકડી પાડ્યો
અકસ્માત બાદ કારચાલક ત્યાંથી નીકળી જવાનો પ્રયાસ કરી રહ્યો હોવાનો આરોપ છે. જોકે, આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા અને તેમણે કારચાલકને સ્થળ પર જ પકડી લીધો હતો. ત્યારબાદ તેની ઓળખ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ ગૌરાંગ બળદેવ દવે તરીકે થઈ હતી. પોલીસ ફરિયાદ અને કેસની વિગતો મુજબ, ઘટના સમયે તે દારૂના નશામાં હોવાનો આરોપ છે. સ્થાનિક લોકોએ તેને પોલીસને સોંપ્યો હતો.



