ભારતની મેડલ ટેલીમાં શૂટિંગનો મોટો ફાળો રહ્યો છે, જ્યારે મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકાને 147 રનથી હરાવી દેશને ગેમ્સનો પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો છે. હાલ ભારત મેડલ ટેલીમાં 8મા ક્રમે છે.
ભારતના નામે એક ગોલ્ડ મેડલ
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ફાઇનલમાં શ્રીલંકાને 147 રનથી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 3 વિકેટે 216 રન બનાવ્યા હતા. સ્મૃતિ મંધાનાએ 79, શેફાલી વર્માએ 48 અને ઋચા ઘોષે અણનમ 49 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાની ટીમ 69 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ જીત સાથે ભારતે એશિયન ગેમ્સમાં મહિલા ક્રિકેટનો સતત બીજો ગોલ્ડ મેડલ જીત્યો છે.
ભારતના નામે 4 સિલ્વર મેડલ
શૂટિંગમાં ભારતે અત્યાર સુધી ચાર સિલ્વર મેડલ જીત્યા છે. મહિલા 10 મીટર એર રાઇફલ ટીમ ઇવેન્ટમાં ઈલાવેનિલ વલારિવન, સોનમ મસ્કર અને વિદર્શા વિનોદની ટીમે સિલ્વર જીત્યો હતો. ત્યારબાદ ઈલાવેનિલ વલારિવને મહિલા 10 મીટર એર રાઇફલ વ્યક્તિગત ઇવેન્ટમાં પણ સિલ્વર મેડલ પોતાના નામે કર્યો. પુરુષોની 10 મીટર એર રાઇફલ ટીમ ઇવેન્ટમાં રુદ્રાક્ષ પાટિલ, પાર્થ માને અને હિમાંશુ ઢિલ્લનએ સિલ્વર જીત્યો હતો. આ જ ઇવેન્ટની વ્યક્તિગત સ્પર્ધામાં હિમાંશુ ઢિલ્લને પણ સિલ્વર મેડલ મેળવ્યો છે.
ભારતના નામે 2 બ્રોન્ઝ મેડલ
પુરુષોની 10 મીટર એર રાઇફલ વ્યક્તિગત ઇવેન્ટમાં રુદ્રાંક્ષ પાટિલએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ ઉપરાંત મિક્સ્ડ માર્શલ આર્ટ્સની મહિલાઓની ટ્રેડિશનલ 60 કિલોગ્રામ કેટેગરીમાં સુચિકા તારિયાલએ બ્રોન્ઝ મેડલ જીતીને ભારત માટે MMAમાં ઐતિહાસિક મેડલ મેળવ્યો છે.
Asian Games 2026 Medal Tally
હાલની મેડલ ટેલીમાં ચીન 32 ગોલ્ડ સહિત કુલ 53 મેડલ સાથે પ્રથમ સ્થાને છે. જાપાન 11 ગોલ્ડ અને કુલ 46 મેડલ સાથે બીજા ક્રમે, જ્યારે દક્ષિણ કોરિયા 6 ગોલ્ડ અને કુલ 27 મેડલ સાથે ત્રીજા ક્રમે છે. ભારત 1 ગોલ્ડ, 4 સિલ્વર અને 2 બ્રોન્ઝ સાથે કુલ 7 મેડલ મેળવી 8મા સ્થાને છે.



