ઈંગ્લેન્ડના પૂર્વ આંતરરાષ્ટ્રીય ફૂટબોલર એન્ડ્રોસ ટાઉનસેન્ડ થાઈ લીગની એક મેચ પહેલાં વોર્મ-અપ દરમિયાન વિચિત્ર અને ગંભીર અકસ્માતનો ભોગ બન્યા હતા. 35 વર્ષીય ટાઉનસેન્ડ મેદાનમાં વોર્મ-અપ કરી રહ્યા હતા ત્યારે અચાનક ભારે પિચ રોલર તેમના પર ચઢી ગયું હતું. રોલર તેમના પગ અને કમરના ભાગ પરથી પસાર થયું હતું. ઘટનાને પગલે મેદાનમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, સદનસીબે ટાઉનસેન્ડને ગંભીર ઈજા થઈ નહોતી.
ડ્રાઈવરે જોયું નહીં અને બની ગઈ મોટી દુર્ઘટના
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ટાઉનસેન્ડ હવામાં બેકહીલ મારવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. તે જ સમયે પિચ રોલર તેમના માર્ગમાં આવી ગયું હતું. રોલરનો ડ્રાઈવર બીજી તરફ જોઈ રહ્યો હોવાથી તે ટાઉનસેન્ડને જોઈ શક્યો નહોતો. રોલર તેમના શરીર પરથી પસાર થતાં જ ટાઉનસેન્ડની ચીસ સંભળાઈ હતી, જ્યારે આસપાસના ખેલાડીઓ પણ ઘટનાથી સ્તબ્ધ થઈ ગયા હતા.
અકસ્માત બાદ પણ મેચમાં રમવા ઉતર્યા
આ ઘટનામાં સૌથી આશ્ચર્યજનક બાબત એ રહી કે અકસ્માત બાદ પણ ટાઉનસેન્ડે મેચમાંથી પોતાનું નામ પાછું ખેંચ્યું નહોતું. તેઓ પીટી પ્રાચુઆપ તરફથી ઈજાના સમય દરમિયાન સબસ્ટીટ્યુટ તરીકે મેદાનમાં ઉતર્યા હતા. ટાઉનસેન્ડની ટીમે આ મુકાબલો 3-0થી જીતી લીધો હતો.
સોશિયલ મીડિયા પર મજાકમાં વીડિયો શેર કર્યો
ઈંગ્લેન્ડ માટે 13 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂકેલા ટાઉનસેન્ડે આ સમગ્ર ઘટનાને હળવાશથી લીધી હતી. તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર અકસ્માતનો વીડિયો શેર કરીને હસતા ઈમોજી સાથે લખ્યું, “આને એવી રીતે દર્શાવો જાણે આ કોઈ અકસ્માત હોય.” ટાઉનસેન્ડે ઓગસ્ટમાં પીટી પ્રાચુઆપ સાથે જોડાયા હતા. અગાઉ તેઓ કંચનાબુરી પાવર માટે રમતા હતા, પરંતુ તે ટીમ રેલિગેશનનો ભોગ બની હતી.



