લોડ થઈ રહ્યું છે...
--:--:--

બિઝનેસ

CNG વાહનચાલકોને મોંઘવારીનો ડામ! અદાણી ગેસ ફરી મોંઘો, 13 દિવસમાં બીજીવાર ભાવ વધ્યા

by

Thenewsdk

Updated: 05-11-2026, 11.24 AM

Follow us:

દિવાળી પહેલાં જ CNG વાહનચાલકોને મોંઘવારીનો વધુ એક ઝટકો લાગ્યો છે. અદાણી ટોટલ ગેસે CNGના ભાવમાં પ્રતિ કિલો ₹2.30નો વધારો કર્યો છે. આ વધારા સાથે CNGનો ભાવ ₹98.47થી વધીને ₹100.77 થઈ ગયો છે. ખાસ વાત એ છે કે કંપનીએ માત્ર 14 દિવસના ગાળામાં બીજી વખત ભાવ વધાર્યા છે. અગાઉ 23 ઓક્ટોબર, 2026ના રોજ પ્રતિ કિલો ₹4.45નો વધારો કરવામાં આવ્યો હતો. સતત ભાવવધારાથી રિક્ષાચાલકો, ટેક્સીચાલકો અને રોજિંદા મુસાફરી કરતા લોકોના ખિસ્સા પર વધારાનો બોજ પડશે.

14 દિવસમાં બીજી વખત CNGના ભાવમાં વધારો
અદાણી ટોટલ ગેસ દ્વારા CNGના ભાવમાં પ્રતિ કિલો ₹2.30નો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે અમદાવાદમાં CNGનો નવો ભાવ ₹100.77 પ્રતિ કિલો થયો છે. અગાઉ 23 ઓક્ટોબરના રોજ કંપનીએ એક જ વખતમાં ₹4.45નો વધારો કર્યો હતો, જેના કારણે ભાવ ₹98.47 સુધી પહોંચ્યો હતો. હવે ફરી ભાવ વધતાં CNGનો ભાવ ₹100ની સપાટી વટાવી ગયો છે. તહેવારોના સમયમાં આવેલા આ વધારાથી સામાન્ય વાહનચાલકો અને ખાસ કરીને રિક્ષા તથા ટેક્સીચાલકોને વધારાનો ખર્ચ સહન કરવો પડશે.

ઓગસ્ટથી અત્યાર સુધીમાં સતત વધ્યા CNGના ભાવ
છેલ્લા કેટલાક મહિનામાં CNGના ભાવમાં વારંવાર વધારો થયો છે. અગાઉ 1 ઓગસ્ટે પ્રતિ કિલો ₹4નો વધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 23 ઓક્ટોબરે ₹4.45નો વધારો થયો અને હવે ફરી ₹2.30નો વધારો ઝીંકાયો છે. આ સતત વધારાની સીધી અસર CNGથી ચાલતાં વાહનોના સંચાલન ખર્ચ પર પડશે. રિક્ષા અને ટેક્સીચાલકો માટે ઇંધણનો ખર્ચ વધતાં તેમની આવક પર અસર થઈ શકે છે. જો વાહનચાલકો ભાડામાં વધારો કરે તો મુસાફરોને પણ વધુ ભાડું ચૂકવવું પડી શકે છે.

CNGના ભાવ વધારા પાછળનાં મુખ્ય કારણો
કંપની દ્વારા ભાવવધારા પાછળ ગેસની ખરીદીના ખર્ચમાં વધારો અને સ્થાનિક ગેસની ઉપલબ્ધતામાં ઘટાડા સહિતનાં કારણો રજૂ કરવામાં આવ્યાં છે.

  1. ગેસ ખરીદીનો ખર્ચ વધ્યો: નવા કૂવાઓમાંથી મળતા ગેસ અને હાઈ-પ્રેશર હાઈ-ટેમ્પરેચર (HPHT) ગેસની ઓછી ઉપલબ્ધતા સાથે હાજર બજારમાં LNGના ઊંચા ભાવને કારણે ગેસ ખરીદવાનો સરેરાશ ખર્ચ વધ્યો છે.
  2. સસ્તા સ્થાનિક ગેસની ફાળવણી ઘટી: ઓછા દરે મળતા સ્થાનિક કુદરતી ગેસ (NWG)ની ફાળવણી ઘટવાથી CNGની માંગ પૂરી કરવા માટે સસ્તા ગેસના વિકલ્પો મર્યાદિત બન્યા છે.
  3. HPHT ગેસના ક્વોટામાં ઘટાડો: 19 ઓક્ટોબર, 2026ના HPHT ઓફિસ મેમોરેન્ડમ મુજબ, પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રો માટે HPHT ગેસના ક્વોટામાં ઘટાડો થતાં CNG માટે સ્થાનિક ગેસની ઉપલબ્ધતા પર અસર પડી છે.
  4. આંતરરાષ્ટ્રીય LNGના ભાવમાં વધારો: વૈશ્વિક બજારમાં સ્પોટ LNGના ભાવ ફેબ્રુઆરી 2026માં આશરે 10થી 12 અમેરિકન ડોલર પ્રતિ MMBtu હતા, જે વધીને હાલમાં આશરે 30 ડોલર સુધી પહોંચ્યા હોવાનું જણાવાયું છે. તેના કારણે આયાતી ગેસ મોંઘો બન્યો છે.
  5. ગેસના પુરવઠામાં મર્યાદા: મુખ્ય ગેસ ઉત્પાદકો તરફથી પુરવઠામાં કાપ મૂકાતાં ઊભી થયેલી ખાધ પૂરી કરવા મોંઘા વૈકલ્પિક સ્ત્રોતો પર આધાર રાખવો પડી રહ્યો છે.
  6. ખર્ચનું ભારણ સરભર કરવાની જરૂર: કંપનીના જણાવ્યા અનુસાર, ગ્રાહકોને સતત ગેસ પુરવઠો મળતો રહે તે માટે ખરીદી ખર્ચનો મોટો હિસ્સો કંપનીએ પોતે સહન કર્યો છે. જોકે, ખર્ચમાં વધારાને ધ્યાનમાં રાખીને ભાવમાં મર્યાદિત વધારો કરવો જરૂરી બન્યો છે.

Related Latest News

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤