લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

પ્રેમસંબંધનો ખૌફનાક અંત! ASIની હત્યા કરી કારમાં મૃતદેહ સળગાવ્યાનો ચોંકાવનારો મામલો

by

Thenewsdk

Updated: 18-11-2026, 02.01 PM

Follow us:

પ્રેમ સંબંધનો અંત લાવવા માટે મહિલા કોન્સ્ટેબલે પોતાના ભાઈ અને અન્ય સાગરીતો સાથે મળીને હત્યાનું કાવતરું ઘડ્યું હતું. ASIને ઘરે બોલાવી હત્યા કર્યા બાદ મૃતદેહને બોરામાં પેક કરી કારમાં મૂકવામાં આવ્યો હતો અને પછી કાર સાથે મૃતદેહને સળગાવી દેવામાં આવ્યો હતો.

નદી કિનારે અર્ધબળેલી કારમાંથી મળ્યાં માનવ અવશેષો
મૃતક ASI અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના જીંઝોડી ગામના રહેવાસી હતા અને ચિથોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. 8 નવેમ્બરની રાત્રે તેઓ પોતાની કાર લઈને ફરજ પર જવા નીકળ્યા હતા, પરંતુ ત્યારબાદ ઘરે પરત ફર્યા નહોતા. પરિવારજનોએ બે દિવસ સુધી તેમની શોધખોળ કરી હતી.

આખરે 10 નવેમ્બરે ભિલોડાના પાદરા ગામ નજીક હાથમતી નદીના કિનારે એક અર્ધબળેલી કાર મળી આવી હતી. કારની અંદરથી માનવ શરીરના બળેલા અવશેષો અને હાડકાં મળી આવ્યાં હતાં. મૃતકના પિતાએ આ અવશેષો પોતાના પુત્રના હોવાની આશંકા વ્યક્ત કરી હતી. ત્યારબાદ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી.

પ્રેમ સંબંધનો વિવાદ બન્યો હત્યાનું કારણ
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ની ટીમે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન મૃતક ASI અને ચિથોડા પોલીસ સ્ટેશનમાં મહિલા સુરક્ષા ટીમમાં ફરજ બજાવતી એક હેડ કોન્સ્ટેબલ વચ્ચે લાંબા સમયથી પ્રેમ સંબંધ હોવાનું સામે આવ્યું હતું.

પોલીસ તપાસ મુજબ, મહિલા કોન્સ્ટેબલ આ સંબંધનો અંત લાવવા માગતી હતી અને ASIથી છૂટકારો મેળવવા ઇચ્છતી હતી. જોકે, ASI સંબંધ તોડવા તૈયાર ન હતા અને તેને સંબંધ ચાલુ રાખવા માટે દબાણ કરતા હોવાનો ખુલાસો થયો છે. આ મુદ્દે બંને વચ્ચે વારંવાર વિવાદ અને માનસિક ઘર્ષણ થતું હતું.

વાતચીતના બહાને ઘરે બોલાવી ASIની હત્યા કરી
પોલીસ પૂછપરછમાં સામે આવેલી વિગતો મુજબ, 8 નવેમ્બરની રાત્રે મહિલા હેડ કોન્સ્ટેબલે ASIને ચિથોડા સ્થિત પોતાના ભાડાના મકાનમાં વાતચીત કરવાના બહાને બોલાવ્યા હતા. ASI રાત્રે ત્યાં રોકાયા હતા અને તે જ દરમિયાન મહિલાએ તેમની હત્યા કરી નાખી હતી.

હત્યા બાદ પુરાવાનો નાશ કરવા માટે મહિલાએ પોતાના ભાઈને ફોન કરીને બોલાવ્યો હતો. બીજા દિવસે સવારે તેનો ભાઈ પોતાના પિતરાઈ ભાઈ સાથે ત્યાં પહોંચ્યો હતો. ત્યારબાદ ત્રણેયે મળીને મૃતદેહને મોટા બોરામાં પેક કર્યો હતો અને આખો દિવસ ઘરમાં છુપાવી રાખ્યો હતો.

મૃતદેહને બોરામાં પેક કરી કારમાં લઈ ગયા
પોલીસ તપાસ મુજબ, હત્યા બાદ આરોપીઓએ પુરાવા નષ્ટ કરવા માટે યોજના બનાવી હતી. મહિલાના ભાઈએ ASIની કારને કનાદાર ગામના પાદરા વિસ્તારમાં એક મંદિર નજીક જંગલમાં મૂકી દીધી હતી. ત્યારબાદ તે ચિથોડા પરત ફર્યો હતો. રાત્રે અંધારું થયા બાદ મહિલાના ભાઈએ પોતાના વધુ એક મિત્રને પણ આ કાવતરામાં સામેલ કર્યો હતો.

ત્યારબાદ ચારેય આરોપીઓ કારમાં મૃતદેહ ભરેલો બોરો લઈને જંગલમાં પહોંચ્યા હતા. તેમણે બોરાને કારની વચ્ચેની સીટ પાસે મૂક્યો હતો. આરોપીઓ કાર લઈને હાથમતી નદીના કિનારે આવેલા નિર્જન વિસ્તારમાં પહોંચ્યા હતા. ત્યાં કાર પર પેટ્રોલ છાંટીને આગ લગાવી દેવામાં આવી હતી. આગમાં કારની સાથે ASIનો મૃતદેહ પણ બળીને ખાખ થઈ ગયો હતો.

Related Latest News

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤