અગાઉ તેની અસર શુક્રવારે થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. વાવાઝોડા દરમિયાન 90થી 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તેની અસર દેશનાં 10 રાજ્યોમાં જોવા મળવાની આશંકા છે. વિશાખાપટ્ટનમ નજીક દરિયામાં ઊંચાં મોજાં ઉછળી રહ્યાં છે, જ્યારે પુરી અને કોલકાતામાં વરસાદ શરૂ થઈ ગયો છે.
ઓડિશાના 13 જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ એલર્ટ
ચક્રવાતની અસરને ધ્યાનમાં રાખીને ઓડિશાના 13 જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના 6 જિલ્લાઓમાં 19થી 21 નવેમ્બર સુધી તમામ શાળાઓ અને આંગણવાડીઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વહીવટી તંત્રએ સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને રાહત અને બચાવની તૈયારીઓ તેજ કરી છે. રેલવેએ પણ ગુરુવારે દોડનારી ત્રણ ટ્રેનોના પ્રસ્થાનના સમયમાં ફેરફાર કર્યો છે. નૌકાદળ સહિતની સુરક્ષા અને બચાવ એજન્સીઓ રાજ્ય સરકારો સાથે મળીને પરિસ્થિતિનો સામનો કરવાની તૈયારી કરી રહી છે.
આંધ્રપ્રદેશમાં સૌથી વધુ અસરની આશંકા
ચક્રવાતની સૌથી વધુ અસર આંધ્રપ્રદેશમાં થવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, 19 અને 20 નવેમ્બરે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. 20 નવેમ્બરે વાવાઝોડું નેલ્લોર અને વિશાખાપટ્ટનમ વચ્ચેના દરિયાકાંઠે ટકરાઈ શકે છે.
આ દરમિયાન પવનની ઝડપ 100થી 110 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. દરિયાકાંઠાના જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાહત અને બચાવ કામગીરી માટે NDRFની 13 અને SDRFની 11 ટીમો તહેનાત કરવામાં આવી છે. માછીમારોને દરિયામાં ન જવા અને ખેડૂતોને પોતાના પાકને સુરક્ષિત રાખવાની સલાહ આપવામાં આવી છે.
ઓડિશામાં 2 લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની તૈયારી
ઓડિશામાં 18થી 21 નવેમ્બર દરમિયાન ભારે વરસાદની આગાહી છે. ગંજામ, ગજપતિ, રાયગડા, કોરાપુટ અને મલકાનગિરી સહિતના દક્ષિણ જિલ્લાઓમાં વધુ અસર થવાની શક્યતા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા અને પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનનું જોખમ પણ છે.
રાજ્ય સરકારે 8 જિલ્લાઓમાં 2 લાખ 4 હજારથી વધુ લોકોની ઓળખ કરી છે, જેમને જરૂર પડ્યે સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવશે. રાહત કેન્દ્રોને તૈયાર રાખવા અને સંવેદનશીલ ગામોમાંથી લોકોને બહાર કાઢવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
ભારે વરસાદનું પાણી સંગ્રહવા માટે જગ્યા રહે તે હેતુથી હરભંગી અને બદનાળા ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. દરિયામાં 14 મીટરથી ઊંચાં મોજાં ઉછળવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
તમિલનાડુ અને પુડુચેરીમાં ભારે વરસાદની આગાહી
ઉત્તરી તમિલનાડુમાં 18 અને 19 નવેમ્બરે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ચેન્નાઈ સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પાણી ભરાવાની આશંકા છે. અહીં પવનની ઝડપ 60થી 70 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. માછીમારોને દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે.
પુડુચેરી અને કરાઈકલમાં પણ 18થી 20 નવેમ્બર દરમિયાન ભારે વરસાદ અને તેજ પવનની આગાહી છે. દરિયામાં ઊંચાં મોજાં ઉછળવાની શક્યતાને પગલે વહીવટી તંત્રને સતત સ્થિતિ પર નજર રાખવા જણાવાયું છે.
તેલંગાણા, બંગાળ, ઝારખંડ અને છત્તીસગઢમાં પણ અસર
તેલંગાણામાં 20 અને 21 નવેમ્બરે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને રાજ્યના પૂર્વ ભાગોમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની અને સ્થાનિક સ્તરે પૂર જેવી સ્થિતિ સર્જાવાની શક્યતા છે. પશ્ચિમ બંગાળના દક્ષિણ ભાગોમાં 19 અને 20 નવેમ્બરે વરસાદ પડી શકે છે.
દક્ષિણ 24 પરગણા, પૂર્વ મિદનાપુર, પશ્ચિમ મિદનાપુર અને ઝારગ્રામના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. ઝારખંડમાં 20 અને 21 નવેમ્બરે કેટલાક વિસ્તારોમાં વરસાદ સાથે ભારે વરસાદની પણ શક્યતા છે. છત્તીસગઢમાં વાવાઝોડું સીધું ટકરાવાનું નથી,
પરંતુ રાજ્યના દક્ષિણ અને ઉત્તર ભાગોમાં 20 અને 21 નવેમ્બરે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત ચક્રવાતની અસર તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઓડિશા, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ અને ઉત્તર પ્રદેશ સહિત 10 રાજ્યોમાં જોવા મળી શકે છે.
ઈરાને પૌરાણિક દૈત્યના નામ પરથી રાખ્યું ‘અકવાન’ નામ
બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં ઉદ્ભવતા ચક્રવાતોના નામ રાખવાની શરૂઆત વર્ષ 2000માં થઈ હતી. આ માટે ભારત સહિત અનેક દેશોએ મળીને નામોની યાદી તૈયાર કરી હતી. વર્ષ 2018માં ઈરાન, કતાર, સાઉદી અરેબિયા, UAE અને યમન પણ આ જૂથમાં સામેલ થયા હતા.
આ દેશોના નક્કી કરાયેલા ક્રમ પ્રમાણે ચક્રવાતોને નામ આપવામાં આવે છે. નામ પસંદ કરતી વખતે તે કોઈ રાજકારણ, ધર્મ, સંસ્કૃતિ કે વ્યક્તિ સાથે જોડાયેલું ન હોય તેનું ધ્યાન રાખવામાં આવે છે. આ વખતે ઈરાને ચક્રવાતનું નામ ‘અકવાન’ રાખ્યું છે.
ઈરાનની પૌરાણિક કથાઓમાં અકવાન એક શક્તિશાળી દૈત્યનું નામ છે. તેનો ઉલ્લેખ પર્શિયાના પ્રસિદ્ધ મહાકાવ્ય ‘શાહનામા’માં મળે છે. કથા અનુસાર, અકવાન નામના દૈત્યનો મુકાબલો યોદ્ધા રૂસ્તમ સાથે થયો હતો.



