દેશના કેટલાક પસંદગીના ભાગોમાં આ ચિત્ર ઝડપથી બદલાવા લાગ્યું છે. હવે વાહનો કોઈપણ જાતના અવરોધ વિના ઉપર લગાવેલા ઓવરહેડ ગેન્ટ્રીની નીચેથી પૂરપાટ ઝડપે પસાર થાય છે અને ટોલની ચૂકવણી ઇલેક્ટ્રોનિક રીતે આપમેળે થઈ જાય છે. આ અત્યાધુનિક ટેકનોલોજીને ‘મલ્ટી-લેન ફ્રી ફ્લો’ એટલે કે MLFF કહેવામાં આવે છે. ફાસ્ટેગ દ્વારા કેશલેસ ચૂકવણી શરૂ થયા બાદ ભારતની ટોલ વસૂલાત વ્યવસ્થામાં આ અત્યાર સુધીનો સૌથી મોટો અને ક્રાંતિકારી ફેરફાર છે.
કેવી રીતે કામ કરે છે આ નવી ટેકનોલોજી?
અહેવાલો મુજબ, MLFF પ્રણાલી ફાસ્ટેગનું સ્થાન નથી લેતી પરંતુ, તેને વધુ આધુનિક અને ઝડપી બનાવે છે. આ સિસ્ટમમાં ‘ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન’ કેમેરાને ફાસ્ટેગ આધારિત ઇલેક્ટ્રોનિક વસૂલાત સાથે જોડવામાં આવ્યા છે. જેવા વાહનો ઓવરહેડ ગેન્ટ્રીની નીચેથી પસાર થાય છે કે તરત જ હાઈ-સ્પીડ કેમેરા તેમની નંબર પ્લેટ વાંચી લે છે અને ફાસ્ટેગ ખાતામાંથી ટોલની રકમ આપમેળે કપાઈ જાય છે. ‘એક વાહન, એક ટેગ’ નીતિ હેઠળ દરેક ફાસ્ટેગ વાહનના રજિસ્ટ્રેશન નંબર સાથે જોડાયેલ હોય છે,
જેથી ઉપકરણ ટેગ, નંબર પ્લેટ અથવા બંનેને સ્કેન કરીને ટોલનો વ્યવહાર પૂર્ણ કરી લે છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) અને સરકારનો ઉદ્દેશ્ય મુસાફરીને ઝડપી, સુરક્ષિત અને પર્યાવરણને અનુકૂળ બનાવવાનો છે, જેનાથી સમય અને ઈંધણ બંનેની મોટી બચત થશે.
6 મહિનામાં કુલ 7 ટોલ પ્લાઝા પર સિસ્ટમ કાર્યરત
દેશમાં આ આધુનિક પ્રણાલીની શરૂઆત 1 મે, 2026ના રોજ ગુજરાતમાં NH-48ના સુરત-ભરૂચ ખંડ પર સ્થિત ચોર્યાસી ટોલ પ્લાઝા ખાતેથી થઈ હતી. ત્યારબાદ દિલ્હી-NCRમાં અર્બન એક્સટેન્શન રોડ-2 પર સ્થિત મુંડકા-બક્કરવાલા બીજું એવું પ્લાઝા બન્યું,
જેનું ઉદ્ઘાટન કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કર્યું હતું. ઉનાળા દરમિયાન આ નેટવર્કનો વધુ વિસ્તાર થયો અને 19 જૂને રાજસ્થાનમાં NH-48ના દિલ્હી-જયપુર માર્ગ પર દૌલતપુરા ખાતે રાજ્યનું પ્રથમ MLFF પ્લાઝા ખુલ્યું. ત્યારબાદ NH-44ના પાણીપત-જાલંધર ખંડ પર ઘરૌંડા, 1 જુલાઈએ દિલ્હી-જયપુર માર્ગ પર મનોહરપુરા અને ઓગસ્ટમાં રાજસ્થાનના શાહજહાંપુર ટોલ પ્લાઝાને પણ આ સિસ્ટમ સાથે જોડી દેવામાં આવ્યા.
ઓક્ટોબરમાં આ ટેકનોલોજીએ દક્ષિણ ભારતમાં કદમ મૂક્યા, જ્યારે 1 ઓક્ટોબરે તમિલનાડુના તાંબરમ-તિંડીવનમ ખંડ (NH-179B) પર સ્થિત પરનૂર ટોલ પ્લાઝા પર તેને લાગુ કરવામાં આવી. જોકે, સપ્ટેમ્બર 2026 સુધીમાં 9 રાજ્યોના 17 પ્લાઝા પર આ સિસ્ટમ શરૂ કરવાના લક્ષ્યની સરખામણીમાં હાલની ગતિ થોડી ધીમી રહી છે.
ફાસ્ટેગમાં બેલેન્સ ન હોય તો શું થશે?
બેરીયર વિનાની આ સિસ્ટમમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો કોઈ વાહનનો ફાસ્ટેગ કામ ન કરે અથવા તેમાં બેલેન્સ ઓછું હોય તો શું થાય? સ્થળ પર વાહન રોકવા માટે કોઈ બૂથ ન હોવાથી, આવા કિસ્સામાં વાહન માલિકને ઇલેક્ટ્રોનિક નોટિસ એટલે કે ‘ઈ-નોટિસ’ મોકલવામાં આવે છે.
રાષ્ટ્રીય રાજમાર્ગ શુલ્ક નિયમ, 2008ના નિયમ 14 હેઠળ આ નોટિસ ‘વાહન’ (VAHAN) ડેટાબેઝ અને ફાસ્ટેગ સાથે જોડાયેલા મોબાઈલ નંબર પર SMS દ્વારા મોકલવામાં આવે છે. વાહન માલિકે 72 કલાકની અંદર સામાન્ય ટોલ શુલ્ક ચૂકવવાનું હોય છે;
જો આ સમયમર્યાદામાં ચૂકવણી ન થાય તો વાહનની શ્રેણી મુજબ સામાન્ય દર કરતાં બમણો દંડ વસૂલવામાં આવે છે. ચાલકો નિર્ધારિત પોર્ટલ અથવા ‘રાજમાર્ગયાત્રા’ મોબાઈલ એપ પર જઈને ઈ-નોટિસ જોઈ શકે છે, ચૂકવણી કરી શકે છે અને 72 કલાકમાં ફરિયાદ પણ નોંધાવી શકે છે. ઈ-નોટિસની અવગણના કરવા પર ફાસ્ટેગ બ્લેકલિસ્ટ થઈ શકે છે અને વાહન સંબંધિત અન્ય સરકારી સેવાઓ પર પણ રોક લાગી શકે છે.
ટેક્સ અને વસૂલાતના આંકડા શું કહે છે?
ક્રિસિલ ઇન્ટેલિજન્સના એક વિશ્લેષણ મુજબ, 1 ઓગસ્ટ સુધીમાં છ ટોલ પ્લાઝા પર કુલ 1.10 કરોડથી વધુ વાહનોના વ્યવહારો નોંધાયા હતા અને ₹147 કરોડથી વધુની ટોલ આવક એકત્ર થઈ હતી. આવકની દ્રષ્ટિએ ગુજરાતનું ચોર્યાસી પ્લાઝા ₹51 કરોડથી વધુની વસૂલાત સાથે સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને રહ્યું છે,
જ્યારે વાહનોની સંખ્યાની દ્રષ્ટિએ દિલ્હીનું મુંડકા પ્લાઝા મોખરે રહ્યું, જ્યાંથી 41.5 લાખથી વધુ વાહનો પસાર થયા. મે થી જુલાઈ દરમિયાન કુલ વસૂલાતનો આશરે 94 ટકા હિસ્સો સીધો ફાસ્ટેગ દ્વારા આવ્યો,
જ્યારે ઈ-નોટિસથી ₹9.2 કરોડ મળ્યા. જોકે, આ સમયગાળામાં પસાર થયેલા આશરે 10 ટકા વાહનોની ચૂકવણી નિષ્ફળ રહી, જેના કારણે લગભગ 10.5 લાખ ઈ-નોટિસ જારી કરવી પડી હતી.
સરકારને વાર્ષિક ₹6,000 કરોડની બચતની અપેક્ષા
માર્ગ પરિવહન મંત્રાલયનું માનવું છે કે MLFF લાગુ થવાથી સંચાલન ખર્ચ, ઈંધણ અને પ્રદૂષણમાં મોટો ઘટાડો થશે. સરકારનો અંદાજ છે કે આનાથી વાર્ષિક ₹5,000થી ₹6,000 કરોડના સંચાલન ખર્ચની બચત થશે.
આ ઉપરાંત, ટોલ પ્લાઝા પર વાહનોના રોકાવા અને ટ્રાફિક જામની સમસ્યા ખતમ થવાથી દર વર્ષે આશરે 250 કરોડ લિટર ઈંધણ બચશે,
જેનાથી કાર્બન ડાયોક્સાઇડ (CO2) ઉત્સર્જનમાં લગભગ 81,000 ટનનો ઘટાડો થશે. સંપૂર્ણપણે લાગુ થયા બાદ આ પ્રણાલી વાર્ષિક 450 કરોડથી વધુ વાહનોની અવરજવર સંભાળવા સક્ષમ બનશે.
આગામી તબક્કામાં વધુ 104 ટોલ પ્લાઝા પર લાગુ થશે MLF
હાલના સાત પ્લાઝા માત્ર પાયલોટ પ્રોજેક્ટ સમાન છે. NHAI એ ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશ, તેલંગાણા, આંધ્ર પ્રદેશ અને ઓડિશાના અન્ય 104 ટોલ પ્લાઝા પર MLFF શરૂ કરવા માટે ટેન્ડરો મંગાવ્યા છે, જેનાથી કુલ સંખ્યા 121 થઈ જશે. આ પરિવર્તનની સાથે નિયમિત મુસાફરો માટે પાસની વ્યવસ્થામાં પણ સુધારો કરાયો છે; ઓગસ્ટ 2025માં શરૂ કરાયેલા ₹3075 વાળા વાર્ષિક ફાસ્ટેગ પાસનો ઉપયોગ આ પ્લાઝા પરથી પસાર થતા 52 ટકા ખાનગી વાહનો કરી રહ્યા છે.
વધુમાં, 1 નવેમ્બરથી ટોલ પ્લાઝાના 20 કિલોમીટરના દાયરામાં રહેતા બિન-વ્યાવસાયિક વાહન માલિકો માટે રાહત દરે સ્થાનિક (લોકલ) પાસ શરૂ કરાયો છે, જેનો વાર્ષિક દર નગરપાલિકાની હદ બહારના પ્લાઝા માટે ₹1,500 અને હદની અંદરના પ્લાઝા માટે ₹3,000 નક્કી કરાયો છે.
સિસ્ટમ સામે કયા છે મુખ્ય પડકારો?
ક્રિસિલના વિશ્લેષણમાં આ સિસ્ટમની કેટલીક નબળાઈઓ તરફ પણ ઈશારો કરવામાં આવ્યો છે, જેમાં ચૂકવણી નિષ્ફળ જવી, વાહનોની ખોટી ઓળખ અને ટેગ સાથે છેડછાડના કારણે થતા મહેસૂલ નુકસાન (લીકેજ) નું જોખમ મુખ્ય છે. રિપોર્ટમાં વધુ સારા ANPR કેમેરા કવરેજ અને વાહન ડેટાબેઝ સાથે સચોટ સંકલનની જરૂરિયાત દર્શાવાઈ છે. આ ઉપરાંત, જે વાહન ચાલકોના મોબાઈલ નંબર ‘વાહન’ રેકોર્ડમાં અપડેટ નથી અથવા જેઓ નિયમિત SMS જોતા નથી, તેમને ઈ-નોટિસની જાણ ન થતાં 72 કલાક બાદ બમણો દંડ ભરવો પડી શકે છે. એકંદરે, ભારતની હાઈવે ટોલ વ્યવસ્થા તબક્કાવાર બદલાઈ રહી છે અને ટોલ બૂથને જ રસ્તા પરથી કાયમ માટે હટાવવાની દિશામાં આગળ વધી રહી છે.



