લોડ થઈ રહ્યું છે...
--:--:--

બિઝનેસ

ખાંડ-ડુંગળી બાદ હવે લીંબુ પણ મોંઘા! ₹240 કિલોના ભાવથી રસોડાનું બજેટ ખોરવાયું

by

Thenewsdk

Updated: 09-09-2026, 04.38 PM

Follow us:

એક પખવાડિયા પહેલાં છૂટક બજારમાં આશરે ₹120 કિલો મળતા લીંબુના ભાવ હવે વધીને ₹240થી ₹260 પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે. ભાવમાં લગભગ બમણો વધારો થતાં લોકો હવે કિલોને બદલે નંગના ભાવે લીંબુ ખરીદવા મજબૂર બન્યા છે. સામાન્ય રીતે ઉનાળામાં લીંબુના ભાવ વધતા હોય છે, પરંતુ ચોમાસામાં આટલો મોટો વધારો થતાં ગ્રાહકો પણ આશ્ચર્યમાં છે.

અમદાવાદ યાર્ડમાં જથ્થાબંધ ભાવ પણ વધ્યા
દાળ-શાકના વઘારથી લઈને વિવિધ વાનગીઓમાં ઉપયોગમાં લેવાતા લીંબુના ભાવમાં વધારો પાછળ આવકમાં થયેલો મોટો ઘટાડો મુખ્ય કારણ માનવામાં આવી રહ્યો છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડમાં 22 ઓગસ્ટે લીંબુનો જથ્થાબંધ ભાવ ₹10થી ₹55 પ્રતિ કિલો હતો, જે હવે વધીને ₹80થી ₹160 પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે.

આ સમયગાળા દરમિયાન યાર્ડમાં લીંબુની કુલ આવક આશરે 6,710 ક્વિન્ટલ રહી છે. જ્યારે વર્ષ 2025માં આ જ સમયગાળા દરમિયાન અમદાવાદ યાર્ડમાં 10,608 ક્વિન્ટલ લીંબુની આવક થઈ હતી. એટલે કે એક વર્ષમાં આવકમાં 3,898 ક્વિન્ટલનો ઘટાડો નોંધાયો છે. આવક ઘટતા બજારમાં પુરવઠો ઓછો થયો છે અને તેની સીધી અસર ભાવ પર પડી છે.

દક્ષિણ ભારતમાંથી આવક બંધ, માત્ર રાજસ્થાનથી લીંબુ આવી રહ્યા છે
સામાન્ય રીતે ચોમાસા દરમિયાન અમદાવાદની છૂટક બજારમાં લીંબુનો ભાવ ₹100થી ₹120 પ્રતિ કિલોની આસપાસ રહે છે. સપ્ટેમ્બર 2025માં પણ લીંબુનો જથ્થાબંધ ભાવ માત્ર ₹10થી ₹45 પ્રતિ કિલો હતો. વેપારીઓના જણાવ્યા મુજબ અમદાવાદમાં લીંબુનો પુરવઠો આંધ્રપ્રદેશ સહિત દક્ષિણ ભારતના વિસ્તારો ઉપરાંત મહેસાણા, ભાવનગર અને પાલિતાણા જેવા ગુજરાતના વિસ્તારોમાંથી પણ થતો હોય છે.

જો, કે હાલ આ મોટાભાગના વિસ્તારોમાંથી લીંબુની આવક બંધ થઈ ગઈ છે અને મુખ્યત્વે રાજસ્થાનમાંથી જ લીંબુની આવક થઈ રહી છે. પુરવઠાના આ ઘટાડાને કારણે બજારમાં લીંબુના ભાવ પર ભારે દબાણ જોવા મળી રહ્યું છે.

લીંબુના ભાવ વધવા પાછળ બે મુખ્ય કારણો
બજાર નિષ્ણાતો અને કૃષિ તજજ્ઞોના જણાવ્યા મુજબ, લીંબુનું ઉત્પાદન કરતા વિસ્તારોમાં આ વર્ષે ત્યાંની સ્થાનિક જરૂરિયાતને અનુરૂપ જ પાક થયો છે. ઉત્પાદનનો મોટો હિસ્સો સ્થાનિક બજારમાં જ વપરાઈ જતાં બહારના શહેરો માટે ઉપલબ્ધ જથ્થો ઘટ્યો છે.

આ ઉપરાંત સતત ગરમી પડવાના કારણે લીંબુ પીળા પડીને ઝાડ પરથી ખરી પડ્યા હોવાનું પણ જણાવવામાં આવી રહ્યું છે. પરિણામે બજારમાં આવક ઘટી છે. બીજી તરફ વરસાદ ખેંચાતા ફરી ઉનાળા જેવું વાતાવરણ સર્જાયું હોવાથી લીંબુનો વપરાશ અને માંગ પણ વધી છે. ઓછો પુરવઠો અને વધેલી માંગ—બંને પરિબળોના કારણે ભાવમાં ઝડપથી વધારો થયો છે.

Related Latest News

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤