ભારતમાં સોનાની ખરીદી માત્ર રોકાણ નહીં પરંતુ વિશ્વાસ અને પરંપરાનો ભાગ માનવામાં આવે છે. પરંતુ દાગીના ખરીદતી વખતે સૌથી મોટો સવાલ એ હોય છે, કે સોનું ખરેખર અસલી છે, કે નહીં. માત્ર હોલમાર્ક જોઈને વિશ્વાસ કરી લેવો હવે પૂરતો નથી.
ગ્રાહકોને નકલી હોલમાર્ક અને છેતરપિંડીથી બચાવવા માટે સરકારે દરેક હોલમાર્ક કરાયેલા દાગીના પર 6 અંકનો HUID (Hallmark Unique Identification Number) ફરજિયાત બનાવ્યો છે.
આ અનોખો કોડ તમારા દાગીનાની ડિજિટલ ઓળખ છે, જેના આધારે તેની શુદ્ધતા અને હોલમાર્કની વિગતો ઘરે બેઠા મોબાઇલથી ચકાસી શકાય છે.
શું છે HUID કોડ?
HUID એટલે Hallmark Unique Identification Number. આ 6 અંકનો અલ્ફાન્યુમેરિક કોડ દરેક હોલમાર્ક કરાયેલા દાગીના માટે અલગ હોય છે. લેઝર ટેક્નોલોજી દ્વારા આ કોડ દાગીના પર કોતરવામાં આવે છે અને તેને બદલવો શક્ય નથી. જેમ દરેક વ્યક્તિનો આધાર નંબર અલગ હોય છે, તેમ દરેક દાગીનાનો HUID પણ અલગ હોય છે.
કેવી રીતે મળે છે આ કોડ?
દાગીના તૈયાર થયા બાદ તેને સરકાર માન્ય Assaying and Hallmarking Centre (AHC) ખાતે મોકલવામાં આવે છે. અહીં વૈજ્ઞાનિક પદ્ધતિથી સોનાની શુદ્ધતા ચકાસવામાં આવે છે. જો દાગીનો તમામ માપદંડો પર ખરો ઉતરે, તો જ તેને HUID નંબર આપવામાં આવે છે. આ કોડ સાથે દાગીનાની કેરેટ, વજન, હોલમાર્કિંગની તારીખ અને ઉત્પાદકની વિગતો BISના ડેટાબેઝમાં નોંધાય છે.
મોબાઇલથી ઘરે બેઠા કરો ચકાસણી
સોનાની શુદ્ધતા ચકાસવા માટે નીચેના સ્ટેપ્સ અનુસરો:
- Google Play Store પરથી BIS Care App ડાઉનલોડ કરો.
- એપમાં ‘Verify HUID’ વિકલ્પ પસંદ કરો.
- દાગીના પર લખાયેલો 6 અંકનો HUID કોડ દાખલ કરો.
- સર્ચ કરતા જ દાગીનાની શુદ્ધતા, કેરેટ, વજન, હોલમાર્કિંગની તારીખ અને ઉત્પાદકની વિગતો સ્ક્રીન પર જોવા મળશે.
રેકોર્ડ ન મળે તો સાવધાન રહો
જો HUID દાખલ કર્યા પછી ‘Record Not Found’ અથવા વિગતોમાં કોઈ વિસંગતતા જોવા મળે, તો તે દાગીના પર શંકા કરવી જોઈએ. આવી સ્થિતિમાં વિશ્વસનીય જ્વેલર અથવા માન્ય હોલમાર્કિંગ સેન્ટર પરથી ચકાસણી કરાવવી જરૂરી છે.
અસલી હોલમાર્કમાં શું હોવું જોઈએ?
અસલી હોલમાર્ક કરાયેલા દાગીનામાં સામાન્ય રીતે નીચેની ત્રણ બાબતો હોય છે:
- BISનો અધિકૃત લોગો
- સોનાની શુદ્ધતાનો ગ્રેડ (જેમ કે 22K916)
- 6 અંકનો HUID કોડ
ખરીદી વખતે બિલમાં HUID જરૂર ચકાસો
સોનાના દાગીના ખરીદતી વખતે વેપારી પાસેથી પાકું બિલ લેવું અને તેમાં HUID નંબર લખાયેલો છે, કે નહીં તેની ખાતરી કરવી અત્યંત જરૂરી છે. ભવિષ્યમાં કોઈ વિવાદ કે ચકાસણીની જરૂર પડે તો આ બિલ મહત્વનો પુરાવો બની શકે છે.
HUID કોડની મદદથી હવે ગ્રાહકો કોઈપણ દાગીનાની અસલિયત અને શુદ્ધતા મિનિટોમાં ચકાસી શકે છે, જેના કારણે નકલી હોલમાર્ક અને ભેળસેળવાળા સોનાથી બચવું વધુ સરળ બન્યું છે.




Leave a Comment