કેન્દ્ર સરકારે જૂન મહિનાથી 31 ઓક્ટોબર સુધી કપાસની ડ્યુટી ફ્રી આયાત (Duty-free import) ને મંજૂરી આપી હતી. હવે ટેક્સટાઈલ ઉદ્યોગકારોએ આ આયાત શુલ્ક મુક્તિની મર્યાદાને આગામી 6 મહિના માટે વધુ લંબાવવા સરકાર સમક્ષ રજૂઆત કરી છે. ઉદ્યોગકારોનું માનવું છે કે, જો કાચા માલની અછત દૂર નહીં થાય તો આગામી સમયમાં તૈયાર કપડાંના ભાવમાં મોટો ઉછાળો જોવા મળી શકે છે.
સુતરાઉ ધાગાના ભાવમાં 60%નો ઉછાળો અને કાચા માલની અછત
દક્ષિણ ભારતનું મુખ્ય ગારમેન્ટ નિકાસ કેન્દ્ર તિરુપુર એક્સપોર્ટર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર વર્ષ 2026માં સુતરાઉ ધાગાના ભાવમાં આશરે 60% સુધીનો જંગી વધારો થયો છે. ગારમેન્ટ્સના ઉત્પાદનમાં કાચા માલના ખર્ચમાં સુતરાઉ ધાગાનો હિસ્સો લગભગ 60% જેટલો હોય છે.
ભાવવધારાની સાથે-સાથે બજારમાં ધાગાની ઉપલબ્ધતા પણ ઘટી રહી છે, જેના કારણે કપડાં નિકાસકારોની વૈશ્વિક બજારમાં સ્પર્ધાત્મક ક્ષમતા પર વિપરીત અસર પડી રહી છે. ઉદ્યોગને બચાવવા માટે કપાસ પર લાગતી 11% આયાત જકાતમાંથી મુક્તિ ચાલુ રાખવી અત્યંત જરૂરી બની ગઈ છે.
ભારતમાં કપાસના ઉત્પાદનમાં સતત છઠ્ઠા વર્ષે ઘાટો
છેલ્લા છ મહિનામાં કપાસના ભાવમાં લગભગ 24%નો વધારો નોંધાયો છે, જેનું મુખ્ય કારણ દેશમાં થતું ઉત્પાદન ઘટવાનું છે. વર્ષ 2025-26ના આંકડા મુજબ ભારતનું કપાસ ઉત્પાદન ઘટીને 290 લાખ ગાસડી (પ્રતિ ગાસડી 170 કિગ્રા) એ પહોંચી ગયું છે.
દેશમાં કપાસનું ઉત્પાદન છેલ્લા છ વર્ષથી સતત ઘટી રહ્યું છે અને વર્ષ 2021-22ની સરખામણીએ તેમાં 17%થી વધુનો ઘટાડો નોંધાયો છે. મહારાષ્ટ્રના વિદર્ભ, મરાઠવાડા, તેલંગાણા અને ગુજરાતના કેટલાક કપાસ ઉત્પાદક વિસ્તારોમાં અનિયમિત વરસાદને કારણે આગામી પાકને લઈને પણ ચિંતાઓ સેવાઈ રહી છે.
ડ્યુટી ફ્રી આયાત સામે ખેડૂતોની ચિંતા અને ગ્લોબલ પ્રાઇસ ટ્રેન્ડ
બીજી તરફ કપાસ ઉત્પાદક ખેડૂતોમાં એ વાતની ચિંતા છે કે, જો ડ્યુટી ફ્રી આયાત લંબાવવામાં આવશે તો ઓક્ટોબરમાં નવા પાકની આવક સમયે સ્થાનિક બજારમાં કપાસના ભાવ દબાઈ જશે.
જોકે, ખંડેશ જિનિંગ એન્ડ પ્રેસિંગ એસોસિએશનનું માનવું છે કે વર્તમાન વૈશ્વિક બજારના ભાવ જોતાં આયાતી કપાસ સ્થાનિક કપાસ કરતાં બહુ સસ્તો પડે તેમ નથી. તેથી સ્થાનિક કપાસના ભાવ હાલના પ્રતિ ક્વિન્ટલ 9,000ના સ્તરથી નીચે જવાની શક્યતા ઓછી છે અને આયાતથી ઉદ્યોગને માત્ર કાચા માલની પૂરતી ઉપલબ્ધતા મળી રહેશે.



