ઓગસ્ટ મહિનામાં ચીનના ગોલ્ડ રિઝર્વમાં જુલાઈના અંતની સરખામણીએ આશરે 6,50,000 ઔંસનો વધારો નોંધાયો છે. આ ઓક્ટોબર 2023 પછીનો સૌથી મોટો માસિક વધારો હોવાનું સામે આવ્યું છે. સોનાના ભાવ ઊંચા સ્તરે હોવા છતાં ચીન દ્વારા સતત ખરીદી કરવામાં આવી રહી છે, જે તેની લાંબા ગાળાની આર્થિક નીતિ તરફ ઈશારો કરે છે.
ડોલર પર નિર્ભરતા ઘટાડવા ચીનની વ્યૂહરચના
છેલ્લા 22 મહિનાથી ચાલી રહેલી આ સોનાની ખરીદી પાછળ ચીનની મોટી વ્યૂહાત્મક રણનીતિ હોવાનું માનવામાં આવે છે. ચીન પોતાની અર્થવ્યવસ્થાને વધુ મજબૂત કરવા અને વૈશ્વિક અર્થતંત્રમાં પોતાની સ્થિતિ મજબૂત કરવા માટે સોનાને મહત્વ આપી રહ્યું છે. આ ખરીદી માત્ર રોકાણ પૂરતી મર્યાદિત નથી. ચીન અમેરિકન ડોલર પરની પોતાની નિર્ભરતા ઘટાડવા અને વિદેશી મુદ્રા ભંડારમાં સોના જેવી સુરક્ષિત સંપત્તિનો હિસ્સો વધારવા પર ધ્યાન આપી રહ્યું છે. વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે સોનાને સુરક્ષિત સંપત્તિ માનવામાં આવતું હોવાથી ચીન માટે તેનું વ્યૂહાત્મક મહત્વ વધી રહ્યું છે.
2015 પછીનો સૌથી લાંબો સોનાની ખરીદીનો સિલસિલો
ચીનની સતત સોનાની ખરીદી તેની અનામત સંપત્તિઓને વધુ સુરક્ષિત કરવાની નીતિ દર્શાવે છે. 2015 પછી ચીન દ્વારા સોનાની ખરીદીનો આ સૌથી લાંબો સિલસિલો બની ગયો છે. સતત 22 મહિના સુધી ગોલ્ડ રિઝર્વ વધારવાની નીતિ વૈશ્વિક બજારમાં સોનાનું વધતું મહત્વ અને ચીનની લાંબા ગાળાની આર્થિક વ્યૂહરચનાને સ્પષ્ટ કરે છે.



