શુક્રવારે સિંગતેલ અને કપાસિયા તેલના ડબ્બાના ભાવમાં વધુ ₹10નો વધારો નોંધાયો હતો. વેપારીઓના જણાવ્યા અનુસાર છેલ્લા 10 દિવસમાં ખાદ્યતેલના ભાવમાં અંદાજે ₹40નો વધારો થઈ ચૂક્યો છે.
હાલ સિંગતેલના ડબ્બાનો ભાવ છેલ્લા 15 દિવસથી લગભગ ₹2,900થી ₹2,950ની રેન્જમાં જોવા મળી રહ્યો છે. ભાવમાં સતત વધારો થતાં આગામી દિવસોમાં પણ તેજી રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સિંગતેલ અને કપાસિયા તેલ વચ્ચેનો ભાવ તફાવત ઘટ્યો
સિંગતેલ અને કપાસિયા તેલના ભાવ વચ્ચેનો તફાવત ઘટી જતા ગ્રાહકોની પસંદગીમાં પણ ફેરફાર જોવા મળી રહ્યો છે. સિંગતેલ હવે કપાસિયા તેલ કરતાં થોડું જ મોંઘું રહેતા કેટલાક ગ્રાહકો ફરી સિંગતેલ તરફ વળી રહ્યા હોવાનું વેપારીઓનું કહેવું છે.
₹3,000 પાર જઈ શકે સિંગતેલનો ડબ્બો
બજારના વેપારીઓનું માનવું છે, કે આગામી દિવસોમાં સિંગતેલના ભાવમાં વધુ ₹50થી ₹75નો વધારો થઈ શકે છે. જો હાલની તેજી યથાવત રહે તો સિંગતેલના ડબ્બાનો ભાવ ટૂંક સમયમાં ₹3,000ને પાર પહોંચી શકે છે.
મગફળીના પુરવઠાની પણ અસર
બજારના જાણકારોના જણાવ્યા અનુસાર, ખાદ્યતેલના ભાવમાં વધારા પાછળ મગફળીના પુરવઠા સહિતના અનેક પરિબળો જવાબદાર છે. ખાસ કરીને NAFED દ્વારા છેલ્લા કેટલાક દિવસથી પ્રમાણમાં ઓછું મગફળીનું વેચાણ થઈ રહ્યું હોવાની ચર્ચા વચ્ચે બજારમાં મગફળીની ઉપલબ્ધતાને લઈને પણ ચિંતા વધી છે.
તહેવારોમાં વધશે સામાન્ય લોકોની મુશ્કેલી
સાતમ-આઠમ દરમિયાન ખાદ્યતેલની માંગમાં વધારો થવાની શક્યતા છે. જો તેની સામે પુરવઠો મર્યાદિત રહેશે તો આગામી દિવસોમાં ભાવમાં વધુ વધારો થઈ શકે છે. આવી સ્થિતિમાં તહેવારોની ખરીદી દરમિયાન ગૃહિણીઓ અને સામાન્ય ગ્રાહકોના માસિક બજેટ પર મોંઘવારીનો વધારાનો બોજ પડી શકે છે.




Leave a Comment