Petrol diesel price hike India 2026 : પેટ્રોલ અને ડીઝલના ભાવ લાંબા સમયથી સ્થિર રાખવામાં આવ્યા છે, જેના કારણે સરકારી તેલ કંપનીઓને ભારે આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે. રિપોર્ટ અનુસાર, કંપનીઓને પ્રતિ લિટર પેટ્રોલ પર ₹18 અને ડીઝલ પર ₹35નું નુકસાન થઈ રહ્યું છે.
અગાઉ જ્યારે ક્રૂડ ઓઇલની કિંમતો તેની ટોચ પર હતી, ત્યારે આ કંપનીઓ દરરોજ લગભગ ₹2,400 કરોડનું નુકસાન કરી રહી હતી. જોકે, કેન્દ્ર સરકાર દ્વારા એક્સાઇઝ ડ્યુટીમાં ₹10નો ઘટાડો કરવામાં આવતા આ નુકસાન ઘટીને અત્યારે ₹1,600 કરોડ પ્રતિ દિવસ થયું છે. નિષ્ણાતોના મતે, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં દર 10 ડોલરના વધારા સાથે તેલ કંપનીઓનું નુકસાન પ્રતિ લિટર ₹6 જેટલું વધી જાય છે.
આયાત પર નિર્ભરતા અને આર્થિક પડકારો
ભારત તેની ક્રૂડ ઓઇલની કુલ જરૂરિયાતના આશરે 88% હિસ્સો આયાત કરે છે. આ આયાતનો 45% હિસ્સો મધ્ય પૂર્વના દેશોમાંથી અને 35% રશિયાથી આવે છે. ક્રૂડ ઓઇલના વધતા ભાવ માત્ર તેલ કંપનીઓ માટે જ નહીં, પણ દેશના ચાલુ ખાતાની ખાધ (CAD) માટે પણ મોટું જોખમ ઉભું કરી રહ્યા છે. આર્થિક અંદાજ મુજબ, વર્ષ 2026ના પ્રથમ ક્વાર્ટરમાં ભારતની આ ખાધ વધીને 20 અબજ ડોલર સુધી પહોંચી શકે છે, જે ભારતીય અર્થતંત્ર માટે ચિંતાનો વિષય છે.
સરકારની કમાણીમાં મોટો ઘટાડો
એક તરફ તેલ કંપનીઓ નુકસાનમાં છે, તો બીજી તરફ સરકારના મહેસૂલમાં પણ તેલ પરની એક્સાઇઝ ડ્યુટીનું યોગદાન ઘટી રહ્યું છે. નાણાકીય વર્ષ 2017માં સરકારી તિજોરીમાં પેટ્રોલિયમ પેદાશો પરની એક્સાઇઝ ડ્યુટીનો હિસ્સો 22% હતો,
જે હવે ઘટીને માત્ર 8% પર આવી ગયો છે. સ્થિતિ એટલી ગંભીર છે કે જો સરકાર અત્યારે પેટ્રોલ-ડીઝલ પરથી સંપૂર્ણ એક્સાઇઝ ડ્યુટી હટાવી દે, તો પણ તેલ કંપનીઓની ખોટની ભરપાઈ થઈ શકે તેમ નથી.




Leave a Comment