મળતી માહિતી મુજબ, ટાટા સન્સના છ સભ્યોના બોર્ડમાં ચંદ્રશેખરના નિર્ણયને લઈને મતભેદ ઊભા થયા છે. બોર્ડનો એક વર્ગ ચંદ્રશેખરને નિર્ણય પર પુનર્વિચાર કરવા મનાવવાના પક્ષમાં છે, જ્યારે બીજા વર્ગનું માનવું છે કે તેમનો નિર્ણય વ્યક્તિગત છે અને હવે નવા ચેરમેનની શોધ શરૂ કરવી જોઈએ.
ચંદ્રશેખરના નિર્ણય અંગે બોર્ડમાં ઔપચારિક મતદાન કરવું કે નહીં તેને લઈને પણ ચર્ચા ચાલી રહી છે. કાનૂની નિષ્ણાતોના મતે, કંપનીના આર્ટિકલ્સ ઓફ એસોસિએશનમાં કોઈ વિશેષ જોગવાઈ ન હોય તો ચેરમેનના પદ છોડવાના નિર્ણયને બોર્ડે સ્વીકારવો પડી શકે છે.
સર દોરાબજી ટાટા ટ્રસ્ટે ઉત્તરાધિકારી શોધવાની પ્રક્રિયા સૂચવી
ટાટા સન્સમાં મોટો હિસ્સો ધરાવતા પ્રમુખ ટ્રસ્ટોમાંના એક ‘સર દોરાબજી ટાટા ટ્રસ્ટ’ દ્વારા બોર્ડને પત્ર લખવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. તેમાં ચંદ્રશેખરના નિર્ણયની નોંધ લઈને નવા ચેરમેનની પસંદગી માટે સિલેક્શન કમિટી બનાવવાની પ્રક્રિયા શરૂ કરવાની સલાહ આપવામાં આવી છે. ટ્રસ્ટનું માનવું છે કે જ્યારે વર્તમાન ચેરમેન ફરીથી પદભાર સંભાળવા તૈયાર નથી, ત્યારે બોર્ડે હવે તેમના ઉત્તરાધિકારીની પસંદગી પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
ત્રીજો કાર્યકાળ કેમ સ્વીકારવા તૈયાર નથી ચંદ્રશેખરન?
સૂત્રોના જણાવ્યા અનુસાર, એન. ચંદ્રશેખરે સંકેત આપ્યો હતો કે ફરીથી ચેરમેન બનવા માટે તમામ સભ્યોનું સર્વસંમતિથી સમર્થન જરૂરી છે.
જો સંપૂર્ણ સમર્થન ન મળે તો તેઓ ત્રીજો પાંચ વર્ષનો કાર્યકાળ સ્વીકારવા તૈયાર નથી. છેલ્લા કેટલાક સમયથી તેમના ત્રીજા કાર્યકાળને લઈને ટાટા જૂથમાં આંતરિક મતભેદ હોવાની ચર્ચા હતી. આ સ્થિતિ વચ્ચે ચંદ્રશેખરના નિર્ણયે બોર્ડ સામે નેતૃત્વનો મોટો પડકાર ઊભો કર્યો છે.
AGM રદ થવાનો ખતરો કેમ ઊભો થયો?
18 ઓગસ્ટે યોજાનારી AGMમાં મોટા ભાગના શેરધારકો ઓનલાઇન જોડાઈ શકે છે. જો, કે ‘સર રતન ટાટા ટ્રસ્ટ’ તરફથી પ્રતિનિધિનું નામ ન મળતાં બેઠક માટે જરૂરી કોરમ પૂર્ણ થશે કે નહીં તે અંગે સવાલો ઊભા થયા છે.
જો જરૂરી કોરમના અભાવે AGM રદ કરવી પડે, તો ટાટા સન્સના ઇતિહાસમાં આ એક અભૂતપૂર્વ ઘટના બની શકે છે. હાલ નવા ચેરમેન અંગે કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી, પરંતુ ટાટા સન્સના ટોચના નેતૃત્વને લઈને ચાલી રહેલી આ અનિશ્ચિતતાએ કોર્પોરેટ જગતમાં ભારે ચર્ચા જગાવી છે.




Leave a Comment