વારાણસીના શ્રી કાશી વિશ્વનાથ મંદિર પરિસરમાં શનિવારે એક ચોંકાવનારી ઘટના બની હતી. મંદિરના ગેટ નંબર 4B પાસે સુરક્ષામાં તહેનાત PACના એક જવાનની સરકારી બંદૂકમાંથી અચાનક ગોળી છૂટી જતા ભક્તોમાં અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે ગોળી સીધી કોઈને વાગી ન હતી, પરંતુ પથ્થર સાથે અથડાઈ તેના છર્રા આસપાસ ઊભેલા લોકોને વાગતા ત્રણ લોકો સામાન્ય રીતે ઘાયલ થયા હતા.
મિસફાયરથી સર્જાયો હડકંપ, ભક્તોમાં ડરનો માહોલ
પ્રાપ્ત માહિતી મુજબ આ ઘટના સવારે આશરે સાત વાગ્યે બની હતી. 48મી વાહિનીના પીએસી જવાન અમરનાથ ચૌહાન રસ્તા કિનારે ઊભા હતા ત્યારે તેમની કાર્બાઇન બંદૂકમાંથી મિસફાયર થયું હતું. ગોળી સીધી કોઈ વ્યક્તિને વાગવાના બદલે રસ્તા પરના પથ્થર સાથે અથડાઈ હતી. આ કારણે તેના છર્રા અને કાંકરીઓ આસપાસ ઊભેલા ભક્તોને વાગતા સ્થળ પર થોડા સમય માટે ગભરાટ અને દહેશત ફેલાઈ ગઈ હતી.
ત્રણ લોકો ઘાયલ, સારવાર માટે ખસેડાયા
આ ઘટનામાં નિક્કી ગુપ્તા, રામ બાબુ અને વિકાસ યાદવ નામના ત્રણ દુકાનદારો ઘાયલ થયા હતા, જે મંદિર પરિસરમાં આવેલી ‘કૈલાશપતિ’ નામની દુકાનમાં કામ કરે છે. વિકાસને હાથ અને કમરના ભાગે, રામ બાબુને પેટ અને હાથ પર તથા નિક્કીને હાથમાં ઈજાઓ પહોંચી હતી. ઘટના બાદ સુરક્ષાકર્મીઓએ તાત્કાલિક કાર્યવાહી કરીને ત્રણેયને કબીરચોરા સ્થિત મંડળીય ચિકિત્સાલયમાં ખસેડ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેમની હાલત સ્થિર હોવાનું તબીબોએ જણાવ્યું છે.
તપાસ શરૂ, મંદિર પરિસરમાં સુરક્ષા વધુ સખત કરવામાં આવી
ઘટનાની જાણ થતાં જ વરિષ્ઠ પોલીસ અને વહીવટી અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું. સુરક્ષાના ભાગરૂપે મંદિર અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવી દેવામાં આવી છે. પોલીસે જરૂરી પુરાવા એકત્ર કરી પીએસી જવાનની પૂછપરછ શરૂ કરી છે. અધિકારીઓ મુજબ પ્રાથમિક રીતે આ આકસ્મિક ફાયરિંગનો મામલો લાગે છે, પરંતુ કોઈ બેદરકારી હતી કે નહીં તેની સંપૂર્ણ તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.



Leave a Comment