NEET પરીક્ષા અને NTAમાં સુધારાની માંગ સાથે દિલ્હીમાં થયેલા CJPના વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ કાર્યવાહીનો મામલો હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. જો, કે સુપ્રીમ કોર્ટે પ્રદર્શનકારીઓ પર થયેલી કથિત પોલીસ કાર્યવાહી સામે દાખલ કરાયેલી તાત્કાલિક અરજી પર તરત સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. અરજદારના વકીલે ઘટનાના વીડિયો જોઈને કોર્ટ દ્વારા સ્વયં સંજ્ઞાન લેવાની માંગ કરી હતી, પરંતુ મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતે આ અરજી પર તાત્કાલિક કાર્યવાહી કરવાનો ઇનકાર કર્યો હતો.
‘અમારી પાસે વીડિયો જોવાનો સમય નથી’: CJI સૂર્યકાંતની ટિપ્પણી
સુનાવણી દરમિયાન અરજદારના વકીલે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે NEET પરીક્ષામાં ગેરરીતિ અને NTAમાં સુધારાની માંગને લઈને શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સામે પોલીસે બળપ્રયોગ કર્યો હતો. વકીલે જણાવ્યું કે ઘટનાના અનેક વીડિયો ઉપલબ્ધ છે અને કોર્ટને આ મામલે હસ્તક્ષેપ કરવો જોઈએ. આ દરમિયાન CJI સૂર્યકાંતે કડક વલણ અપનાવતા કહ્યું કે, “અમારી પાસે વીડિયો જોવાનો સમય નથી. તમે કોર્ટનો સમય બગાડશો નહીં અને તમારો સમય પણ બગાડશો નહીં.”
વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના આરોપો
દિલ્હીમાં CJP દ્વારા આયોજિત ‘સંસદ ચલો’ માર્ચ દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમિયાન પોલીસે લાઠીચાર્જ અને ટિયર ગેસનો ઉપયોગ કર્યો હોવાના આક્ષેપો થયા હતા. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ NEET પરીક્ષામાં ગડબડી, પેપર લીક અને પરીક્ષા વ્યવસ્થામાં પારદર્શિતાની માંગ કરી રહ્યા હતા.
વિપક્ષે સરકાર પર સાધ્યું નિશાન
ઘટનાને લઈને કોંગ્રેસ સહિતના વિપક્ષી પક્ષોએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓએ વિદ્યાર્થીઓ સાથે થયેલી પોલીસ કાર્યવાહીને લઈને સરકારની ટીકા કરી હતી અને જવાબદેહીની માંગ કરી હતી.
કોર્ટમાં તાત્કાલિક રાહત નહીં
સુપ્રીમ કોર્ટ દ્વારા અરજી પર તાત્કાલિક સુનાવણી ન સ્વીકારાતા હાલ પ્રદર્શનકારીઓને કોઈ તાત્કાલિક ન્યાયિક રાહત મળી નથી. જો, કે મામલો આગળ કઈ રીતે આગળ વધે છે તેના પર સૌની નજર રહેશે.




Leave a Comment