અરિજિત સિંહ માત્ર એક ગાયક નથી પરંતુ, કરોડો ફેન્સની લાગણી છે જેમણે બોલિવૂડને એકથી એક ચડિયાતા બ્લોકબસ્ટર ગીતો આપ્યા છે. જાન્યુઆરી 2026માં જ્યારે તેમણે પ્લેબેક સિંગિંગમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી ત્યારે તેમના લાખો ફેન્સના દિલ તૂટી ગયા હતા.
જોકે, તાજેતરમાં ઈમરાન હાશ્મીની આગામી ફિલ્મ ‘આવારાપન-2’માં તેમનું નવું ગીત સાંભળીને ચાહકોના ચહેરા ખીલી ઊઠ્યા હતા અને સોશિયલ મીડિયા પર અફવાઓ શરૂ થઈ ગઈ હતી કે અરિજિત સિંહ પ્લેબેક સિંગિંગની દુનિયામાં કમબેક કરી રહ્યા છે. હવે આ અફવાઓનું સત્ય તેમના મેનેજરે સામે લાવ્યું છે.
શું ખરેખર સિંગિંગમાં કમબેક કરી રહ્યા છે અરિજિત સિંહ?
બોલિવૂડમાં પ્લેબેક સિંગિંગને અલવિદા કહી ચૂકેલા અરિજિત સિંહના મેનેજરે એ સ્પષ્ટ કરી દીધું છે કે સિંગર મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં કોઈ કમબેક કરી રહ્યા નથી.
‘ધ પ્રિન્ટ’ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, “અરિજિત માત્ર એ જ પ્રોજેક્ટ્સ પૂરા કરી રહ્યા છે, જે તેમણે સંન્યાસની જાહેરાત કરતા પહેલા સાઈન કર્યા હતા. અરિજિત સિંહ પ્લેબેક સિંગિંગમાં કોઈ વાપસી નથી કરી રહ્યા, આ તમામ તેમની જૂની કમિટમેન્ટ છે.”
‘યે આવારાપન’ ગીતને મળી રહ્યો છે શાનદાર પ્રતિસાદ
ઈમરાન હાશ્મીની ફિલ્મ ‘આવારાપન-2’નું પહેલું ગીત ભલે દર્શકો પર જાદુ ન ચલાવી શક્યું હોય પરંતુ, અરિજિત સિંહના અવાજમાં રિલીઝ થયેલું નવું ટ્રેક ‘યે આવારાપન’ દર્શકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે. આ સુંદર ગીતને અર્માલ મલિકે કમ્પોઝ કર્યું છે અને તેના બોલ રશ્મિ વિરાગે લખ્યા છે.
આ ગીત માત્ર એક મ્યુઝિક ટ્રેક નથી, પરંતુ અરિજિત સિંહ અને વિશેષ ભટ્ટ (વિશેષ ફિલ્મ્સ) વચ્ચેનું એક શાનદાર રીયૂનિયન પણ છે. આ પહેલા બંનેએ સાથે મળીને ‘આશિકી 2’, ‘જલેબી’, ‘સિટી લાઈટ્સ’ અને ‘હમારી અધૂરી કહાની’ જેવી ફિલ્મોના સુપરહિટ ગીતોમાં સાથે કામ કર્યું હતું.
ક્યારે સિનેમાઘરોમાં રિલીઝ થશે ‘આવારાપન-2’?
‘આવારાપન-2’ની રિલીઝ ડેટની વાત કરીએ તો, આ ફિલ્મ 14 ઓગસ્ટે સિનેમાઘરોમાં દસ્તક આપશે, જ્યાં તેની સીધી ટક્કર બોક્સ ઓફિસ પર સની દેઓલની મચ-અવેટેડ ફિલ્મ ‘બંટવારા: 1947’ સાથે થશે.
આ ફિલ્મમાં પહેલીવાર પ્રેક્ષકોને ઈમરાન હાશ્મી સાથે દિશા પાટનીની નવી જોડી જોવા મળશે. આ સિવાય શબાના આઝમી અને અતુલ કુમાર પણ મહત્વના રોલમાં નજરે પડશે.




Leave a Comment