બોલિવૂડ રેપર અને સિંગર બાદશાહ તેની અંગત જિંદગી અને લગ્નજીવનમાં ચાલી રહેલા અણબનાવને લઈને ભારે ચર્ચામાં છે. અંદાજે 6 મહિના પહેલા ગુરુદ્વારામાં ગુપ્ત રીતે લગ્ન કરનાર બાદશાહ અને તેની પત્ની ઈશા રિક્ખી વચ્ચેના સંબંધો વણસ્યા હોવાની અફવાઓ લાંબા સમયથી ચાલી રહી હતી. તાજેતરમાં ઈશા રિક્ખીએ પોતાની ચુપકીદી અને ડર વિશે સોશિયલ મીડિયા પર ખુલાસો કર્યા બાદ, હવે તેની માતા એટલે કે બાદશાહની સાસુ પૂનમ રિક્ખીની એક વાયરલ પોસ્ટે બોલિવૂડમાં હડકંપ મચાવી દીધો છે.
“જેમણે રવડાવ્યા છે, તેમને પણ રોવું જ પડશે”: સાસુની તીખી ટિપ્પણી
બાદશાહની સાસુ પૂનમ રિક્ખીએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ‘કર્મ’ અને ‘ઈશ્વરીય ન્યાય’ને લઈને શ્રેણીબદ્ધ પોસ્ટ્સ શેર કરી છે. ફેન્સ આ પોસ્ટને બાદશાહ અને તેમની પુત્રી ઈશા વચ્ચે ચાલી રહેલા વિવાદ સાથે જોડીને જોઈ રહ્યા છે.
“કર્મનો હિસાબ ક્યારેય ખોટો હોતો નથી”
એક પોસ્ટમાં ભગવાન શિવ આગળ પ્રાર્થના કરતી મહિલાની તસવીર સાથે તેમણે લખ્યું કે, “કર્મ પાછા ફરે છે. જો તમે કોઈનું જીવવું મુશ્કેલ કરશો, તો ઈશ્વર તમારું મરવું પણ મુશ્કેલ બનાવી દેશે.” અન્ય એક પોસ્ટમાં તેમણે લખ્યું કે, “કર્મ ક્યારેય માફ કરતું નથી. જો કોઈને રડાવ્યા છે, તો તમારું રોવું પણ નિશ્ચિત છે. કર્મથી મોટો કોઈ ન્યાયાધીશ નથી. કર્મનો હિસાબ ક્યારેય ખોટો હોતો નથી અને તે સમય આવ્યે ન્યાય જરૂર કરે છે. ઈશ્વર કદાચ તમને માફ કરી દે, પણ તમારાં કર્મ તમને ક્યારેય માફ નહીં કરે.”
પત્ની ઈશા રિક્ખીનો છલકાયો દર્દ
આ અગાઉ, બાદશાહની પત્ની ઈશા રિક્ખીએ પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં પતિ બાદશાહના પાવર અને પ્રભાવ વિશે વાત કરતા મનનો ભાર હળવો કર્યો હતો. ઈશાએ લખ્યું હતું કે, “કેટલીક લડાઈઓ એવી હોય છે જેના કોઈ બાહ્ય નિશાન કે ઘા દેખાતા નથી. હું લાંબા સમય સુધી ચૂપ રહી કારણ કે હું ડરેલી હતી. મને મારા પતિના પાવર, પ્રભાવ અને સંસાધનોનું ખૂબ દબાણ અનુભવાતું હતું. મેં પોતાની જાતને મનાવી લીધી હતી કે, ચૂપ રહેવું જ સૌથી સુરક્ષિત રસ્તો છે.”
“આજે હું ડરના બદલે હિંમત પસંદ કરી રહી છું”
તેણે વધુમાં ઉમેર્યું હતું કે, “મારી ચુપકીદીનો અર્થ એ નહોતો કે મેં પરિસ્થિતિનો સ્વીકાર કરી લીધો હતો, એ માત્ર પોતાની જાતને બચાવવાનો એક રસ્તો હતો. પરંતુ આજે હું ડરના બદલે હિંમત પસંદ કરી રહી છું. કદાચ હું આખી વાર્તા કહેવા માટે હજી તૈયાર નથી, પરંતુ બધું બરાબર ચાલી રહ્યું છે તેવો ડોળ કરવાનું બંધ કરવા હું સંપૂર્ણ તૈયાર છું.”
‘દરેક વાવાઝોડું એક પાઠ છે’
નોંધનીય છે કે, આ પહેલા પણ ઈશા રિક્ખીએ બાદશાહ સાથેના લગ્ન અને ખાસ પળોનો એક તસવીરો અને વીડિયો કૌલાજ શેર કર્યો હતો, જેમાં તેણે કેપ્શન આપ્યું હતું કે: “દરેક વાવાઝોડું એક શીખ આપે છે અને દરેક પ્રાર્થના એક આશા જગાડે છે.” ઈશા અને તેની માતાની આ ક્રિપ્ટિક પોસ્ટ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં બાદશાહના ફેન્સ ચિંતામાં મુકાયા છે, જોકે આ મામલે બાદશાહ તરફથી હજુ સુધી કોઈ અધિકૃત નિવેદન સામે આવ્યું નથી.




Leave a Comment