‘દ્રશ્યમ-3’નું ઓફિશિયલ ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. 2 મિનિટ અને 52 સેકન્ડ લાંબા આ ટ્રેલરે દર્શકોમાં ઉત્સાહ વધારી દીધો છે. આ વખતે વિજય સાલગાંવકર (અજય દેવગન) અને તેના પરિવારનો સામનો માત્ર પૂર્વ આઈજી મીરા દેશમુખ (તબ્બુ) સામે જ નહીં, પરંતુ તપાસને વધુ કડક બનાવતા બે નવા દિગ્ગજ કલાકારો – સીનિયર વકીલ ઇન્દ્રજીત શેટ્ટી (પ્રકાશ રાજ) અને ક્રાઇમ બ્રાન્ચના એસપી રાજવીર સિંહ તોમર (જયદીપ અહલાવત) સામે થશે.
માત્ર મગજની રમત નહીં, હવે અસ્તિત્વ અને નસીબની લડાઈ
ટ્રેલર પરથી સ્પષ્ટ થાય છે કે મામલો હવે માત્ર બુદ્ધિ કે ચતુરાઈનો નથી રહ્યો, પરંતુ વિજય અને પોલીસ પ્રશાસન વચ્ચે આરપારની લડાઈ બની ગયો છે. તપાસ અધિકારીઓ પાસે એવો દાવો છે કે તેમની પાસે એક એવો અકાટ્ય પુરાવો છે જે વિજયે બનાવેલી કાલ્પનિક વાર્તા અને તેના બચાવના તમામ પૂરાવાઓને ખોટા સાબિત કરી દેશે. વાર્તામાં એક નવો મોડ આવતા કહેવામાં આવ્યું છે કે, “હવે આ રમત મગજની નહીં, પણ નસીબની બની ચૂકી છે.”
નવા વિરોધીઓની એન્ટ્રી અને પાવરફુલ ડાયલોગ્સ
જયદીપ અહલાવત આ ફિલ્મમાં ક્રાઈમ બ્રાન્ચના ચતુર એસપીની ભૂમિકામાં છે, જે વિજયને સામાન્ય માણસ ગણવાની ભૂલ નથી કરતો અને તેની ચાલાકીને બરાબર ઓળખે છે. ટ્રેલરમાં પ્રકાશ રાજનો એક શાનદાર ડાયલોગ છે જેમાં તેઓ વિજય માટે કહે છે, “અભણ છે, બેવકૂફ નથી.” આ સિવાય ટ્રેલરમાં વિજય સાલગાંવકરને “ગોવાનો સૌથી મોટો હાર્ડ-વર્કિંગ ક્રિમિનલ” તરીકે સંબોધવામાં આવ્યો છે, જે દર્શાવે છે કે આ વખતે કેસ કેટલો ગંભીર વળાંક લેશે.
પરિવાર માટેનો સંઘર્ષ અને ઈમોશનલ ટચ
ફ્રેન્ચાઈઝીના આ કન્ક્લુડિંગ પાર્ટમાં પણ વિજયનો મુખ્ય હેતુ પોતાના પરિવારનું રક્ષણ કરવાનો જ છે. વિજયનો એક અતિ માર્મિક ડાયલોગ ટ્રેલરમાં હાઈલાઈટ થાય છે: “ફેમિલી માટે માણસ પોતાને દરેક પગલે તોડે છે.” આ સાથે જ ટ્રેલરના અંતમાં એક ખતરનાક ચેતવણી જોવા મળે છે – “તમે વિચારી પણ નથી શકતા કે તે સાધારણ માણસ શું થી શું બની શકે છે.”
2 ઓક્ટોબરનું ખાસ મહત્વ અને સ્ટાર કાસ્ટ
ફિલ્મમાં અજય દેવગન (વિજય સાલગાંવકર), તબ્બુ (મીરા દેશમુખ) અને શ્રિયા સરન (નંદિની) પોતપોતાના આઇકોનિક રોલમાં પરત ફરી રહ્યા છે. અભિષેક પાઠકના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મને સ્ટાર સ્ટુડિયોઝ અને પેનોરમા સ્ટુડિયોઝ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. આ ફ્રેન્ચાઇઝીની ખાસ પરંપરા મુજબ આ ફિલ્મ પણ તેની ખાસ તારીખ એટલે કે 2 ઓક્ટોબરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.



