RCB controversy IPL 2026 : લખનઉ સામેની મેચમાં આરસીબીએ 29 બોલ બાકી રહેતા 5 વિકેટથી શાનદાર જીત નોંધાવી હતી. આ જીત બાદ ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર જોશ હેઝલવુડને ‘પ્લેયર ઓફ ધ મેચ’ જાહેર કરવામાં આવ્યો હતો.
જોકે, આંકડાઓની દૃષ્ટિએ જોતા હેઝલવુડ કરતા યુવા બોલર રસિક સલામનું પ્રદર્શન વધુ પ્રભાવી જણાતું હતું. હેઝલવુડે તેની 4 ઓવરમાં 20 રન આપીને માત્ર 1 વિકેટ (નિકોલસ પૂરન) ઝડપી હતી, જ્યારે બીજી તરફ રસિક સલામે 4 ઓવરમાં 24 રન આપીને 4 મહત્વની વિકેટો લીધી હતી.
‘આ તો અન્યાય છે’
આકાશ ચોપરાએ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ અને કોમેન્ટ્રી દરમિયાન આ નિર્ણય પર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. તેમણે સવાલ ઉઠાવ્યો કે, “જ્યારે એક યુવા ખેલાડીએ 4 વિકેટ ઝડપી હોય, ત્યારે માત્ર 1 વિકેટ લેનાર અનુભવી ખેલાડીને એવોર્ડ આપવો તે કેટલું યોગ્ય છે?” ચોપરાએ આ નિર્ણયને રસિક સલામ માટે ‘અન્યાયી’ ગણાવ્યો હતો. તેમના મતે, ચાર વિકેટ હોલ લેવો એ T20માં ખૂબ મોટી સિદ્ધિ છે, જેને અવગણવી ન જોઈએ.
હેઝલવુડ vs રસિક
જો મેચના આંકડાઓનું વિશ્લેષણ કરવામાં આવે તો રસિક સલામનું પલડું ભારે દેખાય છે. રસિક સલામે 4 ઓવરમાં 24 રન આપીને માર્કરમ, બડોની, મુકુલ ચૌધરી અને અવેશ ખાનની મહત્વપૂર્ણ વિકેટો લીધી હતી. જ્યારે જોશ હેઝલવુડે 4 ઓવરમાં 20 રન આપીને માત્ર 1 વિકેટ ઝડપી હતી. રસપ્રદ વાત એ છે કે, બંને બોલરોએ મેચમાં 13-13 ડોટ બોલ ફેંક્યા હતા.
હેઝલવુડના સમર્થકો દલીલ કરી રહ્યા છે કે નિકોલસ પૂરનની વિકેટ મેચનો ટર્નિંગ પોઈન્ટ હતી કારણ કે પૂરન મેચ જીતાડી શકે તેમ હતો. પરંતુ વિવેચકોનું કહેવું છે કે માર્કરમ અને બડોની જેવી મોટી વિકેટો લઈને રસિકે જ લખનઉની કમર તોડી નાખી હતી.




Leave a Comment