શું આ માત્ર એક સામાન્ય શરદી-ઉધરસની આડઅસર છે કે પછી ફેફસાં અથવા હૃદય સંબંધિત કોઈ ગંભીર બીમારીનું લક્ષણ હોઈ શકે? આ અંગે યશોદા મેડિસીટી હોસ્પિટલના પલ્મોનોલોજી વિભાગના ડાયરેક્ટર ડૉ. રાજેશ કુમાર ગુપ્તાએ વિગતવાર તબીબી માહિતી આપી છે.
ડૉ. ગુપ્તાના જણાવ્યા મુજબ, વાયરલ અથવા બેક્ટેરિયલ ઈન્ફેક્શનના કારણે ગળા અને શ્વાસનળીમાં બળતરા થવાથી ઉધરસ આવે છે. આ સિવાય અસ્થમા, બ્રોન્કાઇટિસ કે COPD જેવી શ્વસનતંત્રની બીમારી ધરાવતા દર્દીઓને એલર્જીના કારણે સતત ઉધરસ આવતી હોય છે.
છાતીના સ્નાયુઓ પર દબાણ અને પાંસળીઓમાં સોજો
વારંવાર અને જોરથી ઉધરસ ખાવાથી છાતીના ઇન્ટરકોસ્ટલ સ્નાયુઓ (પાંસળીઓ વચ્ચેના સ્નાયુઓ) પર ભારે દબાણ આવે છે અને તેમાં ખેંચાણ ઉત્પન્ન થાય છે. આ સિવાય પાંસળીઓ અને છાતીના હાડકાં (સ્ટર્નમ) વચ્ચે આવેલા કાસ્થિમાં સોજો આવી જાય છે,
જેને તબીબી ભાષામાં કોસ્ટોકોન્ડ્રાઇટિસ કહેવામાં આવે છે. આવા કિસ્સામાં દર્દી જ્યારે ઉધરસ ખાય છે, ઊંડો શ્વાસ લે છે, શરીર ટ્વિસ્ટ કરે છે કે છાતી પર દબાણ આપે છે ત્યારે દુખાવો વધી જાય છે. જો દુખાવો માત્ર ઉધરસ ખાતી વખતે જ થતો હોય અને બાકીના સમયે કોઈ તકલીફ ન હોય, તો તે મોટાભાગે સ્નાયુઓના ખેંચાણનું પરિણામ હોય છે.
ક્યારે ઉધરસને સામાન્ય ન ગણવી?
જોકે, દરેક કિસ્સામાં છાતીનો દુખાવો સામાન્ય હોતો નથી. ડૉ. રાજેશ ગુપ્તા ચેતવણી આપતા જણાવે છે કે જો તમારી ઉધરસ ૩ અઠવાડિયા કરતાં વધુ સમયથી મટતી ન હોય, ઉધરસની સાથે શ્વાસ ચડતો હોય,
શ્વાસ લેવામાં તીવ્ર તકલીફ અનુભવાતી હોય કે શરીરમાં અતિશય નબળાઈ અને તાવ જણાતો હોય, તો તેને ક્યારેય હળવાશથી ન લેવો જોઈએ. આ લક્ષણો ફેફસાંમાં ગંભીર ઈન્ફેક્શન, પ્લ્યુરસી (ફેફસાંના પડમાં સોજો) કે ન્યુમોનિયાના સંકેત હોઈ શકે છે.
આવી સ્થિતિમાં ઘરગથ્થુ ઉપચાર કરવાને બદલે તાત્કાલિક નિષ્ણાત પલ્મોનોલોજિસ્ટની સલાહ લેવી અનિવાર્ય છે.
હૃદયરોગના હુમલા અને સામાન્ય ઉધરસના દુખાવા વચ્ચેનો તફાવત
ઘણા લોકો ઉધરસ વખતે છાતીમાં દુખાવો થાય એટલે સીધા હાર્ટ એટેકની ડરથી ગભરાઈ જતા હોય છે પરંતુ, ઉધરસ સાથેના દુખાવાનો અર્થ હંમેશાં હૃદયરોગ હોતો નથી.
પરંતુ જો તમને ઉધરસ ઓછી આવતી હોય અને છાતીમાં અચાનક ભારે અસ્વસ્થતા કે દબાણ અનુભવાય, દુખાવો ડાબા હાથ, જડબા કે પીઠ તરફ જતો હોય, શરીર પર ઠંડો પરસેવો વળતો હોય, ગભરામણ થતી હોય અને હૃદયના ધબકારા અચાનક ખૂબ ઝડપી થઈ જતા હોય તો આ લક્ષણો હૃદયરોગના હુમલાના હોઈ શકે છે.
આવા લક્ષણો દેખાતા જ દર્દીને તરત જ ઈમરજન્સીમાં એમ્બ્યુલન્સ બોલાવી હોસ્પિટલ પહોંચાડવો જોઈએ.



