લોકો ઘરની સજાવટ અને ઉજવણીમાં મશગૂલ હોય છે પરંતુ, આ ઉત્સવના માહોલમાં આંખોના સ્વાસ્થ્યને નજરઅંદાજ કરવું જોઈએ નહીં. ફટાકડાનો ધુમાડો, બારૂદ અને પ્રદૂષણ આંખોમાં બળતરા તેમજ અન્ય સમસ્યાઓ ઊભી કરી શકે છે. ઘણીવાર લોકો આને સામાન્ય બાબત માનીને અવગણે છે, પરંતુ તે ગ્લુકોમા અને ડાયાબિટીક રેટિનોપેથી જેવી બીમારીઓનું શરૂઆતી લક્ષણ હોઈ શકે છે, જેનાથી આંખોની રોશનીને કાયમી નુકસાન પહોંચી શકે છે.
આંખોની નિયમિત તપાસ છે અત્યંત જરૂરી
એક્સપર્ટના જણાવ્યા અનુસાર, દિવાળી દરમિયાન આંખોની જાળવણી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ફટાકડાનો ધુમાડો અને ધૂળ આંખોમાં એલર્જી અને બળતરા વધારે છે. તહેવારોમાં વપરાતો મેકઅપ અને કોન્ટેક્ટ લેન્સનો યોગ્ય ઉપયોગ ન કરવાથી પણ આંખોને નુકસાન થાય છે. આથી આંખોની નિયમિત તપાસ કરાવવી જરૂરી છે.
ડિજિટલ સ્ક્રીન અને પૂરતી ઊંઘનું રાખો ધ્યાન
રોજિંદી ટેવો પણ આંખો પર સીધી અસર કરે છે. મોબાઈલ, કોમ્પ્યુટર કે ટીવીની સ્ક્રીન સામે સતત જોવાથી આંખોમાં થાક અને શુષ્કતા (ડ્રાયનેસ) આવી શકે છે. સ્ક્રીન જોતી વખતે વચ્ચે-વચ્ચે બ્રેક લેવો, આંખો પટપટાવવી અને સ્ક્રીનથી યોગ્ય અંતર જાળવવું ફાયદાકારક છે. દિવાળીની વ્યસ્ત દિનચર્યા અને મોડે સુધી જાગવાના કારણે આંખોને આરામ મળતો નથી, તેથી પૂરતી ઊંઘ લેવી પણ એટલી જ આવશ્યક છે.
મેકઅપ અને કોન્ટેક્ટ લેન્સમાં સ્વચ્છતા જાળવો
આંખોની સ્વચ્છતાનું ધ્યાન રાખવું અનિવાર્ય છે. હાથ ધોયા વગર આંખોને અડકવું, અન્ય લોકો સાથે મેકઅપની વસ્તુઓ શેર કરવી કે એક્સપાયર થયેલા કોસ્મેટિક્સનો ઉપયોગ કરવાથી ઇન્ફેક્શનનું જોખમ વધી જાય છે. રાત્રે સૂતા પહેલા આંખોનો મેકઅપ ચોક્કસ કાઢી નાખવો જોઈએ. કોન્ટેક્ટ લેન્સ પહેરતા લોકોએ લેન્સની સફાઈનું વિશેષ ધ્યાન રાખવું તેમજ ડોક્ટરની સલાહ વિના કોઈપણ આઈ-ડ્રોપ્સનો ઉપયોગ કરવાથી બચવું જોઈએ.
લાલાશ, દુખાવો અને પાણી આવવાની સમસ્યાને ન અવગણો
જો આંખો લાલ થઈ જાય, સતત દુખાવો રહે, પાણી આવે કે જોવામાં તકલીફ પડે તો તેને સામાન્ય ગણીને નજરઅંદાજ ન કરો. લોકો ઘણીવાર ઘરગથ્થુ ઉપચારો અપનાવે છે અથવા રાહ જુએ છે કે જાતે જ મટી જશે. પરંતુ અચાનક દ્રષ્ટિ ધૂંધળી થવી, તીવ્ર દુખાવો કે ઈજા ગંભીર સમસ્યાના સંકેત છે. આવી સ્થિતિમાં વિલંબ કર્યા વિના તાત્કાલિક આંખના ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે વિશેષ ચેતવણી
ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ, તેમજ અગાઉથી આંખની બીમારી ધરાવતા લોકોએ ખાસ સાવચેત રહેવું જોઈએ. ડાયાબિટીસના કારણે આંખના પડદાની નસોને નુકસાન પહોંચી શકે છે, જેને ડાયાબિટીક રેટિનોપેથી કહે છે અને તેના શરૂઆતી લક્ષણો દેખાતા નથી. ડોક્ટરની સલાહ મુજબ નિયમિત તપાસ કરાવવી અને બ્લડ સુગરને કંટ્રોલમાં રાખવાથી આંખની રોશની જવાની શક્યતાઓ ઘટાડી શકાય છે.
દિવાળીમાં આંખોની સુરક્ષા માટે ખાસ એક્સ્ટ્રા ટિપ્સ
દિવાળીમાં જ્યારે ફટાકડા ફોડતા હોવ ત્યારે આંખોના રક્ષણ માટે ઝીરો નંબરના ચશ્મા (પ્રોટેક્ટિવ સેફ્ટી ગ્લાસ) પહેરવા હિતાવહ છે. જો આંખમાં ફટાકડાનો કોઈ કચરો, રસાયણ કે તણખો પડે, તો આંખને બિલકુલ ચોળવી નહીં. આંખ ચોળવાથી કોર્નિયા પર સ્ક્રેચ પડી શકે છે. તેના બદલે આંખો પર ઠંડા અને સ્વચ્છ પાણીની છાલક મારવી જોઈએ. ફટાકડા ફોડતી વખતે હંમેશા નજીકમાં એક ડોલ પાણી ભરીને રાખવું અને બાળકો ફટાકડા ફોડતા હોય ત્યારે વડીલોએ અચૂક હાજર રહેવું.



