કેન્દ્ર સરકારના પ્રસ્તાવિત નિયમ મુજબ, આગામી 15 ઓક્ટોબરથી વેપારીઓને કરવામાં આવતા ₹2,000થી વધુના UPI પેમેન્ટ પર 0.4 ટકા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) એટલે કે સેવા શુલ્ક લાગુ કરવામાં આવશે. જોકે, સામાન્ય જનતા માટે આશ્વાસનરૂપ વાત એ છે કે ₹2,000 સુધીના નાના વ્યવહારોને સંપૂર્ણપણે મફત રાખવામાં આવ્યા છે.
આ સિવાય સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ શુલ્ક સીધો ગ્રાહકોના ખાતામાંથી કાપવામાં નહીં આવે પરંતુ વેપારીઓએ ચૂકવવાનો રહેશે, છતાં વેપારીઓ આ બોજ ગ્રાહકો પર નાખશે તેવી આશંકા સેવાઈ રહી છે.
“સરકાર બધું મફત ન આપી શકે” – નીતિ આયોગનું નિવેદન
આ સમગ્ર વિવાદ વચ્ચે નીતિ આયોગના વાઈસ ચેરમેન અશોક કુમાર લાહિરીનું નિવેદન ખૂબ ચર્ચામાં આવ્યું છે. તેમણે આ નિર્ણયનું સમર્થન કરતા જણાવ્યું હતું કે, કોઈપણ દેશની સરકાર અનંત સમય સુધી સેવાઓ પર સબસીડી આપી શકતી નથી.
ચાણક્ય નીતિનું ઉદાહરણ આપતા તેમણે ઉમેર્યું કે, “જેમ ભમરો પુષ્પને નુકસાન પહોંચાડ્યા વગર મધ એકઠું કરે છે, તેમ સરકારે પણ હળવો કર વસૂલવો પડે.” તેમણે રૂ. 100ના ટ્રાન્ઝેક્શન પર માત્ર 40 પૈસા જેટલા સામાન્ય શુલ્કની સરખામણી અન્ય બેંકિંગ સેવાઓ સાથે કરીને સ્પષ્ટ કર્યું કે સિસ્ટમ સુચારુ રૂપે ચલાવવા માટે થોડો ખર્ચ ઉઠાવવાની ટેવ પાડવી જરૂરી છે.
સરકારના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારાયો
સરકાર દ્વારા જારી કરાયેલા 14 સપ્ટેમ્બરના નોટિફિકેશન અને MDR સિસ્ટમ સામે હવે કાનૂની જંગ શરૂ થઈ ગયો છે. વકીલ અંજન દત્તા દ્વારા સુપ્રીમ કોર્ટમાં એક જનહિત અરજી (PIL) દાખલ કરવામાં આવી છે.
આ અરજીમાં દલીલ કરવામાં આવી છે કે નવી શુલ્ક વ્યવસ્થા સંપૂર્ણપણે મનસ્વી અને ભેદભાવપૂર્ણ છે. તેનાથી ખાસ કરીને નાના અને ઓછું પ્રોફિટ માર્જિન ધરાવતા વેપારીઓ પર મોટો આર્થિક ફટકો પડશે. આ ઉપરાંત ડિજિટલ ઈન્ડિયા અભિયાન હેઠળ પ્રોત્સાહિત થયેલા ડિજિટલ લેણ-દેણને પણ આ નિર્ણયથી મોટો ધક્કો પહોંચી શકે છે.
ગ્રાહકો અને વેપારીઓ પર શું થશે આડઅસર?
જોકે આ ચાર્જ ટેકનિકલી વેપારીઓ માટે છે, પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે મોટા ભાગના નાના-મોટા વેપારીઓ પોતાના માર્જિનને બચાવવા માટે આ ચાર્જ અપ્રત્યક્ષ રીતે ગ્રાહકો પાસેથી જ વસૂલવાનો પ્રયાસ કરશે.
જો સુપ્રીમ કોર્ટ તરફથી આ નોટિફિકેશન પર કોઈ સ્ટે આપવામાં નહીં આવે, તો 15 ઓક્ટોબરથી મોંઘી ખરીદી પર UPI દ્વારા ચૂકવણી કરવી થોડી ખર્ચાળ બની શકે છે. આગામી દિવસોમાં દેશની સર્વોચ્ચ અદાલત આ અરજી પર શું વલણ અપનાવે છે તેના પર સમગ્ર દેશની નજર ટકેલી છે.



