દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ પવન અને ગાજવીજ સાથે ફરી જોરદાર બેટિંગ શરૂ કરી છે. તેની અસર અમદાવાદમાં પણ જોવા મળી રહી છે. શહેરમાં વહેલી સવારથી સતત વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે,
પરંતુ ઓફિસ, સ્કૂલ અને કોલેજ જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. અનેક મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો છે.
પશ્ચિમ અમદાવાદ અને રિંગ રોડ વિસ્તારોમાં ધોધમાર વરસાદ
અમદાવાદના એસ.જી. હાઈવે, ગોતા, જોધપુર, સેટેલાઈટ, વેજલપુર, મકરબા, સરખેજ, શાંતિપુરા, શેલા, બોપલ, ઘુમા, સનાથલ, બાકરોલ, વિસલપુર અને કાસિન્દ્રા સહિતના વિસ્તારોમાં સવારથી જ ભારે વરસાદ નોંધાયો છે.
વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જ્યારે મુખ્ય માર્ગો પર પણ પાણીના ભરાવાને કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સામાન્ય દિવસોની સરખામણીએ રસ્તાઓ પર વાહનોની અવરજવર પણ ઓછી જોવા મળી હતી.
18 જિલ્લામાં રેડ એલર્ટ, સમગ્ર રાજ્યમાં વરસાદની ચેતવણી
હવામાન વિભાગે નાઉકાસ્ટમાં રાજ્યના અનેક વિસ્તારો માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરુચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, વલસાડ, ડાંગ, નવસારી અને તાપી જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત રાજ્યના અન્ય તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને સાવચેતી રાખવાની અપીલ કરી છે.




Leave a Comment