Panchmahal News: પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન પંચામૃત ડેરીએ પશુપાલકો માટે રાહતભર્યો નિર્ણય લીધો છે. ઉનાળાની પરિસ્થિતિને ધ્યાને લઈને દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10નો વધારો કરવાની પંચામૃત ડેરી દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જેનો સીધો ફાયદો અઢી લાખ પશુપાલકોને થશે.
પ્રતિ કિલો ફેટે રૂ. 875 પ્રમાણે ચૂકવવામાં આવશે
પંચામૃત ડેરીના ચેરમેન જેઠા ભરવાડે જણાવ્યું હતું કે, ત્રણેય જિલ્લાના દૂધ ઉત્પાદકોના જીવનધોરણમાં સુધારો થાય તે હેતુથી દૂધના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. હાલ દૂધનો પ્રતિ કિલો ફેટનો ભાવ રૂ. 865 ચૂકવવામાં આવે છે, જેમાં રૂ. 10નો વધારો કરીને હવે પ્રતિ કિલો ફેટે રૂ. 875 પ્રમાણે ચૂકવવામાં આવશે. આ નવો ભાવ આગામી તા. 1 લી જૂન 2026થી અમલમાં આવશે.
પશુપાલકોમાં ખુશી
આ ભાવ વધારાથી પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના અઢી લાખથી વધુ પશુપાલકોને સીધો આર્થિક લાભ થશે, જેથી ત્રણેય જિલ્લાના પશુપાલકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે.
આ પણ વાંચો: અમદાવાદ: લગ્નના વાયદા આપી વારંવાર દુષ્કર્મ આચનાર આરોપીની ધરપકડ, મિત્રની બહેનને ફસાવી
ઉલ્લેખનીય છે કે, ઉનાળામાં ગરમીને કારણે પશુપાલકોને કપરી સ્થિતિમાં મુકાવવું પડે છે. કારણ કે દૂધાળા પશુની દૂધની માત્રા તેમજ ફેટમાં તેની સીધી અસર પડે છે. બીજી તરફ નિભાવ ખર્ચ અને ઘાસચારામાં પણ ભાવ વધી જાય છે તેથી રાહત આપવા માટે પંચામૃત ડેરી દ્વારા ચાલુ વર્ષ દરમિયાન આ સતત બીજીવાર દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.



Leave a Comment