દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં સતત વરસી રહેલા ભારે વરસાદે જનજીવનને ગંભીર અસર પહોંચાડી છે. નવસારી, વલસાડ, પંચમહાલ, બનાસકાંઠા અને અમરેલી સહિતના જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થતાં બચાવ કામગીરી તેજ કરવામાં આવી છે. રાજ્યભરમાં અત્યાર સુધીમાં 38 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
નવસારીમાં 15 શ્રમિકોનું એરલિફ્ટિંગ
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના મેંધર ભાટ ગામે ઝીંગાના તળાવ વિસ્તારમાં છેલ્લા 18 કલાકથી ફસાયેલા 15 શ્રમિકોને કોસ્ટ ગાર્ડની ટીમે એરલિફ્ટ કરીને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા છે. ભારે વરસાદને કારણે તમામ માર્ગો પાણીમાં ગરકાવ થઈ જતા બચાવ માટે હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી હતી. શ્રમિકોએ વીડિયો મારફતે મદદની અપીલ કર્યા બાદ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું હતું.
હાલોલ-શામળાજી હાઈવે પર પાણી ભરાયા
પંચમહાલ જિલ્લાના શહેરા વિસ્તારમાં મોડી રાતથી ભારે વરસાદ વરસતા હાલોલ-શામળાજી હાઈવે પર પાણી ભરાઈ ગયા હતા. પાણીનો નિકાલ ઝડપી થાય તે માટે તંત્રએ JCBની મદદથી હાઈવેના ડિવાઈડરમાં કટ બનાવી પાણી બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. દર વર્ષે સર્જાતી આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની વાહનચાલકો માંગ કરી રહ્યા છે.
વાવ-થરાદ સહિત અનેક તાલુકામાં ધોધમાર વરસાદ
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)ના અહેવાલ મુજબ, માત્ર બે કલાકમાં દિયોદર તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. ઉપરાંત ભાભર, ધનસુરા, લીલિયા અને સાંતલપુર તાલુકામાં પણ 2 ઇંચથી વધુ વરસાદ વરસતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે.
38 હજારથી વધુ લોકોનું સ્થળાંતર, બચાવ કામગીરી તેજ
ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં અત્યાર સુધીમાં 38,653 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે, જ્યારે 5,547 લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. SEOCના જણાવ્યા અનુસાર રાજ્યના વિવિધ જિલ્લાઓમાં NDRF અને SDRFની કુલ 49 ટીમો તૈનાત છે. અમદાવાદ, નવસારી અને વલસાડમાં ભારતીય સેનાની ટીમો પણ બચાવ કામગીરીમાં જોડાઈ છે. વડોદરામાં એરફોર્સ અને નવસારી, વલસાડ તથા તાપીમાં કોસ્ટ ગાર્ડ દ્વારા સતત રેસ્ક્યૂ અને એરિયલ સર્વે હાથ ધરાઈ રહ્યા છે.
લીલિયામાં ઘરોમાં પાણી ઘૂસ્યા
અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના મફત પ્લોટ વિસ્તારમાં ભારે વરસાદને કારણે ઘરોમાં ગોઠણસમાં પાણી ભરાઈ ગયા છે. પાણી ઘૂસી જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને ઘરવખરીને પણ નુકસાન થયું છે. સ્થાનિક તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.




Leave a Comment