ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાની હત્યા કેસમાં દોષિત ઠરાવવામાં આવેલા મોહમ્મદ અસગર અલીની સજા માફીની અરજીને લઈને ગુજરાત હાઇકોર્ટે મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. હાઇકોર્ટે રાજ્ય સરકારને અરજદારની રજૂઆત પર કાયદા મુજબ વિચાર કરીને છ મહિનાની અંદર યોગ્ય નિર્ણય લેવા નિર્દેશ કર્યો છે.
મોહમ્મદ અસગર અલી હાલ આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે. તેણે રજૂઆત કરી હતી કે જેલમાં ૧૪ વર્ષથી વધુ સમય પસાર કર્યો છે અને જેલમાં તેનું વર્તન પણ સંતોષકારક રહ્યું છે. આ કારણોસર તેણે વહેલી મુક્તિ માટે સજા માફીનો લાભ આપવા સરકાર સમક્ષ અરજી કરી હતી. જોકે લાંબા સમય સુધી કોઈ નિર્ણય ન લેવાતા તેણે હાઇકોર્ટનો દરવાજા ખખડાવ્યો હતો.
હરેન પંડ્યાની હત્યા બાદ થયેલી તપાસમાં કેસ સીબીઆઇને સોંપવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન અન્ય અનેક આરોપીઓ સામે પણ આઇપીસી અને પીઓટીએ હેઠળ ગુના નોંધાયા હતા. આ કેસ સાથે વીએચપી કાર્યકર જગદીશ તિવારી પર થયેલા હુમલાનો કેસ પણ જોડાયો હતો અને બંને ઘટનાઓને એક જ ષડયંત્રનો ભાગ ગણાવી કાર્યવાહી કરવામાં આવી હતી.
વર્ષ ૨૦૦૭માં સીબીઆઇ કોર્ટે અસગર અલી સહિત અનેક આરોપીઓને દોષિત ઠેરવી સજા ફટકારી હતી. ત્યારબાદ વર્ષ ૨૦૧૧માં ગુજરાત હાઇકોર્ટે હત્યા કેસમાં આરોપીઓને રાહત આપી હતી, પરંતુ વર્ષ ૨૦૧૯માં સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટનો નિર્ણય રદ કરીને તમામ ૧૨ આરોપીઓને ફરી દોષિત ઠેરવ્યા હતા અને આજીવન કેદની સજા ભોગવવા આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો હતો.
રાજ્ય સરકારે હાઇકોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે અસગર અલીની સજા માફીની અરજી હાલમાં વિચારાધીન છે અને એડવાઇઝરી કમિટીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સંબંધિત સત્તાધિકારી સમક્ષ અંતિમ નિર્ણય માટે રજૂ કરવામાં આવશે.
આ દરમિયાન હાઇકોર્ટે વર્ષ ૨૦૦૧માં કચ્છ સરહદેથી વિસ્ફોટક સામગ્રી સાથે ઝડપાયેલા અને આજીવન કેદની સજા ભોગવી રહેલા લશ્કર-એ-તૈયબાના ઓપરેટિવ શાહનવાઝ ભટ્ટીની સજા માફીની અરજી પર પણ રાજ્ય સરકારને છ મહિનાની અંદર નિર્ણય લેવા સૂચના આપી છે.
હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે સજા માફી સંબંધિત અરજીઓ પર કાયદાકીય જોગવાઈઓ અનુસાર સમયસર નિર્ણય લેવો જરૂરી છે અને વિલંબ ટાળવો જોઈએ.




Leave a Comment