અમદાવાદના બોપલ વિસ્તારમાં ‘પોલીસ’ લખેલી પ્લેટ ધરાવતી કારે બેફામ ડ્રાઇવિંગ કરીને 6 વાહનોને ટક્કર માર્યાની ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં કાર પર ‘પોલીસ’ લખેલું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. ઘટનાની જાણ થતાં બોપલ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને કારચાલક પ્રદ્યુમનસિંહ વાઘેલાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બે ફોર-વ્હીલર અને ચાર ટુ-વ્હીલરને ટક્કર મારી
ફરિયાદી નિશિથ શાહના જણાવ્યા મુજબ, બોપલના અક્ષરધામ બંગલોઝ વિસ્તારમાં ગત રાતે આશરે 8:30 વાગ્યે ઘર બહાર જોરદાર ધડાકો સંભળાયો હતો.
તપાસ કરતા એક બેકાબૂ કારે તેમની ડસ્ટર કાર સહિત કુલ બે ફોર-વ્હીલર અને ચાર ટુ-વ્હીલરને અડફેટે લીધા હોવાનું સામે આવ્યું હતું. ટક્કર બાદ કાર ત્યાં જ રોકાઈ ગઈ હતી. અકસ્મત બાદ આસપાસના લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા.
સ્થાનિકોના આક્ષેપ મુજબ, કારચાલક નશાની હાલતમાં હતો. કાર પર ‘પોલીસ’ લખેલી પ્લેટ જોઈને લોકોમાં રોષ ફેલાયો હતો. સ્થાનિકોએ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો અને પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ બોપલ પોલીસ સ્થળ પર પહોંચી અને કારચાલક પ્રદ્યુમનસિંહ વાઘેલાની અટકાયત કરી હતી.
પોલીસની કામગીરી સામે પણ સવાલો
આ સમગ્ર મામલે બોપલ પોલીસની તપાસને લઈને પણ સવાલો ઊભા થયા છે. વાયરલ વીડિયોમાં કાર પર ‘પોલીસ’ લખેલું સ્પષ્ટ દેખાતું હોવા છતાં, પ્રાથમિક વિગતો મુજબ પોલીસ ફરિયાદમાં આ બાબતનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
કારચાલક પોતે પોલીસ કર્મચારી છે કે અન્ય કોઈ વ્યક્તિએ કાર પર ‘પોલીસ’ લખેલી પ્લેટ લગાવી હતી, તે અંગે પણ સ્થિતિ હજુ સ્પષ્ટ નથી. આ મુદ્દાને લઈને સ્થાનિકોમાં અનેક તર્ક-વિતર્ક ચાલી રહ્યા છે.



