સામાન્ય રીતે કચ્છમાં જૂન માસમાં વરસાદનું આગમન થઇ જતુ હોય છે, પરંતુ આ વખતે હજુ સુધી વરસાદના કોઇ એંધાણ જોવા મળતા નથી.ત્યારે વરસાદ ખેંચાવાને કારણે ખેડૂતો ચિંતાતુર બન્યા છે. ખેડૂતોએ સારું ચોમાસું જશે તેવી આશામાં ખરીફ પાકનું મોંઘાદાટ બિયારણો લઇને પણ વાવેતર કરવામાં આવ્યું હતું.જેના પગલે અત્યાર સુધીમાં ૬૮,૨૫૦ હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર થવા પામ્યું છે, જેમાં સૌથી વધુ કપાસનું ૪૩,૫૧૮ હેક્ટરમાં અને મગફળીનું ૧૯,૨૯૩ હેક્ટરમાં વાવેતર જોવા મળી રહ્યું છે. ૨૦૨૫મા આ જ સમયગાળા દરમ્યાન ખેડૂતો દ્વારા ૬૯,૩૯૯ હેક્ટરમાં વાવેતર કરાયું હતું.આંકડાઓ જોતાં જિલ્લામાં પિયત ધરાવતા ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવ્યું હોવાનું પણ ચિત્ર ઉપસી રહ્યું છે.
શાકભાજી અને ઘાસચારાનું વાવેતર
આમ તો જિલ્લામાં જે રીતે ખેડૂતો દ્વારા સ્થાનિક પાણીનાં સ્રોત ઊભા કરવામાં આવ્યા છે તેમજ પિયત ધરાવતાં ખેડૂતો દ્વારા ખરીફ પાકનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. નાયબ ખેતીવાડી અધિકારી શાન પ્રજાપતિએ જણાવ્યું હતું કે, કચ્છમાં ખેડૂતો આ વખતે પણ સારા વરસાદની આશાએ ખરીફ પાકનું મહતમ વાવેતર કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે. અત્યાર સુધીમાં ૬૮,૨૫૦ હેક્ટરમાં વાવેતર થઇ ગયું છે. ખેડૂતો હજુ પણ ખરીફ પાકનાં વાવેતરમાં જોતરાયેલા હોઈ આગામી દિવસોમાં વાવેતર વિસ્તારમાં વધારો થવાની શક્યતાઓ નકારી શકાય નહીં.જિલ્લામાં ખેડૂતો દ્વારા ખાસ કરીને જુવાર, મકાઇ, મગ, મગફળી, તલ, એરંડા, કપાસ, ગુવાર, શાકભાજી અને ઘાસચારાનું વાવેતર કરવામાં આવ્યું છે.




Leave a Comment