પાટીદાર સમાજ સહિતના સામાજિક સંગઠનોની મુખ્ય માગ છે, કે માતા-પિતા અથવા પરિવારની જાણ બહાર થતા લગ્નની નોંધણી પ્રક્રિયામાં વધુ કડક ચકાસણી કરવામાં આવે. સંગઠનોનું કહેવું છે કે પ્રેમલગ્નના નામે યુવતીઓને ફોસલાવીને અથવા દબાણપૂર્વક લગ્ન કરાવવાના કિસ્સાઓ અટકાવવા માટે યોગ્ય કાયદાકીય વ્યવસ્થા જરૂરી છે.
સામાજિક આગેવાનો દ્વારા લગ્ન નોંધણી સમયે માતા-પિતા અથવા સ્થાનિક સાક્ષીઓની લેખિત સંમતિ, સ્થાનિક સ્તરે દસ્તાવેજોની ખરાઈ અને શંકાસ્પદ કિસ્સામાં યોગ્ય તપાસ જેવી માગણીઓ કરવામાં આવી રહી છે. તેમનો દાવો છે કે લગ્નની નોંધણી માત્ર કાગળ પરની પ્રક્રિયા ન રહે અને જરૂરી હોય ત્યાં સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પણ ખરાઈ કરવામાં આવે.
ડિસેમ્બર 2025ની બેઠક બાદ સરકારની હૈયાધારણા
આ મુદ્દે અગાઉ પણ સામાજિક સંગઠનો દ્વારા સરકાર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી. ડિસેમ્બર 2025માં ગાંધીનગર ખાતે પાટીદાર સહિત વિવિધ સમાજના આગેવાનો અને સરકારના ઉચ્ચ મંત્રીઓ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં સામાજિક સંગઠનો તરફથી પ્રેમલગ્ન અને લગ્ન નોંધણી પ્રક્રિયા અંગે વિવિધ સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા. સંગઠનોનો દાવો છે કે બેઠક બાદ સરકારે તેમની મોટાભાગની માગણીઓ અંગે હકારાત્મક વલણ દાખવી મૌખિક હૈયાધારણા આપી હતી.
ત્યારબાદ ફેબ્રુઆરી 2026ના વિધાનસભા સત્ર દરમિયાન પણ કાયદાકીય સુધારા અંગે આગળ વધવાનો વાયદો કરવામાં આવ્યો હતો.
‘સરકારે માત્ર પાટીદારો નહીં, તમામ સમાજ સાથે વિશ્વાસઘાત કર્યો’
હવે આ મુદ્દે પાટીદાર યુવા નેતા વરુણ પટેલે સરકાર સામે આક્રમક પ્રતિક્રિયા આપી છે. તેમનો આક્ષેપ છે કે સરકારે માત્ર પાટીદાર સમાજને જ નહીં, પરંતુ દીકરીઓની સુરક્ષા અને સામાજિક વ્યવસ્થાની ચિંતા કરતા ગુજરાતના તમામ સમાજોને નિરાશ કર્યા છે.
વરુણ પટેલના જણાવ્યા મુજબ, ચૂંટણીના સમયે વચનો આપવામાં આવે છે, પરંતુ જ્યારે કાયદાકીય સુધારા કરવાની વાત આવે છે ત્યારે સરકાર પીછેહઠ કરતી જોવા મળે છે. તેમણે આગામી દિવસોમાં આ મુદ્દે ફરી સરકાર સામે આંદોલન કરવાની ચીમકી પણ આપી છે.
હવે સરકાર શું નિર્ણય લે છે તેના પર નજર
પ્રેમલગ્નની નોંધણીના નિયમોમાં સુધારો કરવાનો મુદ્દો સામાજિક રીતે સંવેદનશીલ હોવાથી સરકાર માટે પણ આ મામલો મહત્વનો બની રહ્યો છે. એક તરફ સામાજિક સંગઠનો વધુ કડક ચકાસણી અને કાયદાકીય જોગવાઈઓની માગ કરી રહ્યા છે, જ્યારે બીજી તરફ લગ્ન અને વ્યક્તિગત સ્વતંત્રતા સાથે જોડાયેલા કાયદાકીય પાસાઓને ધ્યાનમાં લેવાની જરૂરિયાત પણ રહેશે.
હવે જોવાનું એ રહેશે કે સામાજિક સંગઠનોના વધતા આક્રોશ વચ્ચે સરકાર આ મુદ્દે કોઈ સ્પષ્ટ નિર્ણય લે છે કે નહીં. આગામી સમયમાં આ અંગે કાયદાકીય પ્રક્રિયા શરૂ થાય છે કે ફરીથી માત્ર હૈયાધારણા પૂરતી વાત રહે છે, તેના પર સૌની નજર રહેશે.



