કેટલાક કિસ્સાઓમાં દર્દીના શરીરનું તાપમાન 103 ડિગ્રી ફેરનહીટ (°F) સુધી પહોંચી જાય છે. આવી સ્થિતિમાં તબીબો તાત્કાલિક હોસ્પિટલ જવાની સલાહ આપે છે પરંતુ, ઘણીવાર રાત્રિના સમયે, અંતરિયાળ વિસ્તારમાં કે વાહનની સુવિધા ન હોવાને કારણે તરત જ તબીબ સુધી પહોંચવું શક્ય બનતું નથી. આવી ઈમરજન્સી સ્થિતિમાં ઘરે રહીને દર્દીની સ્થિતિ કેવી રીતે કાબૂમાં લાવવી તે જાણવું અત્યંત જરૂરી છે.
સૌપ્રથમ તાપમાન ફરીથી ચકાસો અને ડીહાઈડ્રેશન અટકાવો
જો થર્મોમીટરમાં 102 કે 103 ડિગ્રી તાવ બતાવે છે તો પહેલા ડીજિટલ થર્મોમીટરની મદદથી તાપમાન ફરી એકવાર યોગ્ય રીતે ચકાસી લો. દર થોડા સમયે તાપમાન ચેક કરતા રહો. આ દરમિયાન એ પણ ધ્યાન રાખો કે તાવની સાથે મોં સુકાવું, વધારે પડતી નબળાઈ કે ચક્કર આવવા જેવા લક્ષણો તો નથી ને? જો આવું થઈ રહ્યું હોય તો તે શરીરમાં પાણીની અછત (Dehydration) ના લક્ષણો છે. હાઈ ફીવરમાં દર્દીના શરીરમાંથી પાણી ઓછું ન થવું જોઈએ. આ માટે દર્દીને સતત પાણી, ORS, નાળિયેર પાણી કે પતળા પ્રવાહી પદાર્થો આપતા રહેવું જોઈએ.
શરીરને ગરમ ન રાખો અને પેરાસીટામોલનો યોગ્ય ઉપયોગ કરો
નવી દિલ્હીની સફદરજંગ હોસ્પિટલના કમ્યુનિટી મેડિસિન વિભાગના ડાયરેક્ટર પ્રોફેસર ડૉ. જુગલ કિશોરના જણાવ્યા અનુસાર જો કોઈ કારણસર તાત્કાલિક હોસ્પિટલ ન જઈ શકાતું હોય તો દર્દીને સંપૂર્ણ આરામ કરવા દો.
દવાનો ઉપયોગ: તાવની સાથે શરીરમાં અસહ્ય દુખાવો, માથાનો દુખાવો કે બેચેની હોય તો પેરાસીટામોલ (Paracetamol 500mg/650mg) નો ઉપયોગ કરી શકાય છે. ડોક્ટરની સલાહ મુજબ 4થી 6 કલાકના અંતરે એક ગોળી આપી શકાય છે.
કપડાં અને વાતાવરણ: દર્દીને જાડા ધાબળા કે ગરમ કપડાંમાં વંટાળીને ન રાખો. રૂમનું તાપમાન સામાન્ય રાખો જેથી શરીરની ગરમી બહાર નીકળી શકે.
વોટર સ્પોન્જિંગ (પાણીની પટ્ટીઓ)નો પ્રયોગ
જો દવાથી પણ તાવ ઓછો ન થઈ રહ્યો હોય તો ‘કોલ્ડ સ્પોન્જિંગ’ અથવા સાદા પાણીની પટ્ટીઓ મૂકવી સૌથી અસરકારક ઉપાય છે. દર્દીના કપાળ, ડોક, બગલ અને હથેળીઓ પર સાદા (નળના) પાણીમાં પલાળેલું કાપડ મૂકો. ધ્યાનમાં રાખો કે ક્યારેય પણ એકદમ બરફ જેવા ઠંડા પાણીનો ઉપયોગ ન કરવો, તેનાથી શરીર ધ્રૂજવા લાગે છે અને તાપમાન વધુ વધી શકે છે.
આ ખતરનાક લક્ષણો દેખાય તો તરત જ ઈમરજન્સી મેડિકલ હેલ્પ લો
103 ડિગ્રી તાવની સાથે જો દર્દીને નીચે મુજબના લક્ષણો દેખાય તો ઘરે વધુ રાહ જોવી જોખમી સાબિત થઈ શકે છે.
- શ્વાસ લેવામાં તકલીફ પડવી કે ખૂબ ઝડપથી શ્વાસ લેવા.
- અસહ્ય અને સતત થતો માથાનો દુખાવો.
- છાતીમાં દુખાવો અથવા ગભરામણ થવી.
આંચકી આવવી અથવા દર્દી બેભાન જેવો થઈ જવો. આવા કિસ્સામાં રાહ જોયા વગર નજીકની ઈમરજન્સી હોસ્પિટલમાં દર્દીને પહોંચાડવો અત્યંત અનિવાર્ય છે.
હાઈ ફીવર ફર્સ્ટ એઈડ અંગે વિશેષ અને ટેક્નિકલ માહિતી
- સામાન્ય અને હાઈ ફીવરનું તાપમાન આંકડાકીય રીતે: માનવ શરીરનું સરેરાશ સામાન્ય તાપમાન 98.6°F (37°C) હોય છે. જો તાપમાન 100.4°F (38°C) થી ઉપર જાય તો તેને તાવ કહેવાય છે, પરંતુ 103°F (39.4°C) કે તેથી વધુ તાપમાનને ‘હાઈ ગ્રેડ ફીવર’ (High-grade fever) ગણવામાં આવે છે.
- સ્વાઈન ફ્લૂ અને ડેન્ગ્યુમાં સાવચેતી: ડેન્ગ્યુ કે વાયરલ ફીવરમાં ક્યારેય પણ ડૉક્ટરની સલાહ વિના Aspirin (એસ્પિરિન) કે Ibuprofen (આઈબુપ્રોફેન) જેવી પેઈનકિલર્સ ન આપવી જોઈએ. આ દવાઓથી બ્લીડિંગ (રક્તસ્ત્રાવ) થવાનું કે પ્લેટલેટ્સ ઘટવાનું જોખમ વધી જાય છે. ફક્ત ‘Paracetamol’ જ સૌથી સુરક્ષિત માનવામાં આવે છે.



