ઘરમાં ડેન્ગ્યુનો કેસ સામે આવતા જ માત્ર દર્દીની સારવાર કરવી પૂરતી નથી, પરંતુ પરિવારના અન્ય સભ્યોનું રક્ષણ કરવું પણ એટલું જ જરૂરી છે. ફોર્ટિસ હોસ્પિટલના એક્સપર્ટ ડોક્ટરે પરિવારની સુરક્ષા અંગે મહત્વની માહિતી આપી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે, ડેન્ગ્યુ સીધો એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં સ્પર્શ કરવાથી ફેલાતો નથી.
જોકે, જ્યારે કોઈ એડીસ મચ્છર સંક્રમિત દર્દીને કરડે છે, ત્યારે તે વાયરસ મચ્છરના શરીરમાં પ્રવેશ કરે છે. ત્યારબાદ એ જ મચ્છર જ્યારે ઘરના અન્ય સ્વસ્થ સભ્યને કરડે છે, ત્યારે સંક્રમણ ઝડપથી ફેલાય છે. આથી, ઘરમાં દર્દી આવ્યા પછી પરિવારના તમામ સભ્યોને મચ્છરોથી બચાવવા માટે તાત્કાલિક ધોરણે સાવચેતીનાં પગલાં લેવાં અત્યંત અનિવાર્ય બની જાય છે.
દર્દી અને ઘરના સભ્યો માટે પ્રાથમિક બચાવના ઉપાયો
સૌથી પહેલા ઘરમાં રહેલા ડેન્ગ્યુના દર્દીને મચ્છરોથી સંપૂર્ણપણે સુરક્ષિત રાખવો જોઈએ. બીમારીના શરૂઆતના દિવસોમાં દર્દીના લોહીમાં વાયરસનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. આથી, દર્દીને દિવસના સમયે પણ મચ્છરદાનીની અંદર જ આરામ કરાવવો જોઈએ. જે રૂમમાં દર્દી હોય ત્યાં મચ્છર ભગાડવાના સૂરક્ષિત સાધનોનો ઉપયોગ કરવો જોઈએ અને ઘરની બારી-બારણાં પર ઝીણી જાળી લગાવવી હિતાવહ છે. આ ઉપરાંત, ઘરના અન્ય સભ્યોએ પણ ખાસ કરીને દિવસના સમયે વધારે સાવધ રહેવું જરૂરી છે,
કારણ કે ડેન્ગ્યુ ફેલાવતો એડીસ મચ્છર મુખ્તવઃ દિવસના સમયે જ કરડે છે. સવાર અને સાંજના સમયે ખાસ સાવચેતી રાખીને આખા શરીરને ઢાંકે તેવા લાંબી બાંયના કપડાં પહેરવા જોઈએ અને શરીર પર મચ્છરરોધક ક્રીમ કે સ્પ્રેનો નિયમિત ઉપયોગ કરવો જોઈએ.
ઘરની આસપાસ જળભરાવ અટકાવવો અને દવાઓ અંગેની ખાસ સાવચેતી
ડેન્ગ્યુના મચ્છરોને ઉત્પન્ન થતા અટકાવવા માટે ઘરમાં કે આસપાસ પાણી જમા ન થવા દેવું સૌથી મહત્વપૂર્ણ પગલું છે. કૂલર, કુંડા, ડોલ, જૂના ટાયર, બોટલો અને પાણીના અન્ય વાસણો મચ્છરો માટે પ્રજનન સ્થાન બની શકે છે. પાણીના તમામ વાસણોને હંમેશા ઢાંકીને રાખવા જોઈએ અને તેને નિયમિતપણે ખાલી કરીને સાફ કરવા જોઈએ. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ની માર્ગદર્શિકા મુજબ ઘરના પાણીના કન્ટેનરોને અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર ખાલી કરીને બરાબર સાફ કરવા જોઈએ.
આ ઉપરાંત, દર્દીને પૂરતો આરામ અને પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી આપવું જોઈએ. દર્દીને માત્ર ડોક્ટરની સલાહ મુજબ જ દવાઓ આપવી જોઈએ. ડેન્ગ્યુમાં પોતાની જાતે ક્યારેય એસ્પિરિન કે આઇબ્યુપ્રોફેન જેવી દુખાવાની દવાઓ લેવી જોઈએ નહીં, કારણ કે તેનાથી શરીરમાંથી બ્લીડિંગ એટલે કે રક્તસ્રાવ થવાનું જોખમ વધી જાય છે.
જો દર્દીને અસહ્ય પેટમાં દુખાવો થાય, સતત ઊલટી થાય, પેઢા કે નાકમાંથી લોહી આવે, ભારે નબળાઈ લાગે અથવા શ્વાસ લેવામાં તકલીફ પડે તો વિના વિલંબે તબીબી મદદ લેવી જોઈએ.




Leave a Comment