તાજેતરના સંશોધનના આંકડા ચિંતાજનક સ્થિતિ તરફ ઈશારો કરે છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ભારતમાં ફેટી લિવર ડિસીઝ હવે એક ગંભીર સ્વાસ્થ્ય પડકાર બની રહ્યો છે અને તેના નિવારણ માટે સમયસર પગલાં લેવાની જરૂર છે.
ભારતમાં કરોડો લોકો ફેટી લિવરથી પ્રભાવિત
નિષ્ણાતો જણાવે છે, કે ફેટી લિવર રોગને હવે વધુ સચોટ રીતે MASLD (Metabolic Dysfunction-Associated Steatotic Liver Disease) તરીકે ઓળખવામાં આવે છે.
ઉપલબ્ધ ડેટા અનુસાર, આ સમસ્યા ભારતમાં આશરે 16%થી 32% વસ્તીને અસર કરે છે, જેનો આંકડો કરોડોમાં પહોંચે છે. વધુ ચિંતાજનક વાત એ છે, કે આ સમસ્યા માત્ર પુખ્ત વયના લોકો પૂરતી મર્યાદિત નથી રહી. બાળકોમાં પણ ફેટી લિવરના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.
35.4% બાળકોમાં ફેટી લિવર હોવાનો દાવો
26 હજારથી વધુ લોકો પર કરવામાં આવેલા 50 વિશ્લેષણોના ડેટા અનુસાર, ભારતમાં આશરે 38.6% પુખ્ત વયના લોકોમાં NAFLD જોવા મળ્યું હતું. ડાયાબિટીસ અથવા સ્થૂળતા ધરાવતા લોકોમાં આ પ્રમાણ વધીને 52.8% સુધી પહોંચ્યું હતું. બાળકોને લગતા આંકડા પણ ચોંકાવનારા છે. આ જ વિશ્લેષણમાં આશરે 35.4% બાળકોમાં ફેટી લિવર ડિસીઝ જોવા મળ્યો હતો. જ્યારે સ્થૂળતા ધરાવતા બાળકોમાં આ પ્રમાણ 63.4% સુધી પહોંચ્યું હતું.
IT સેક્ટરમાં કામ કરતા લોકો માટે પણ જોખમ
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ફેટી લિવર કોઈપણ વ્યક્તિને અસર કરી શકે છે. જોકે, લાંબા સમય સુધી બેસીને કામ કરવું, શારીરિક પ્રવૃત્તિનો અભાવ અને જીવનશૈલી સાથે જોડાયેલી કેટલીક આદતોને કારણે કેટલાક વર્ગોમાં જોખમ વધી શકે છે. IT સેક્ટરમાં લાંબા સમય સુધી બેઠાડુ કામ કરતા લોકોમાં પણ આવી જીવનશૈલીને કારણે ફેટી લિવરનું જોખમ વધવાની શક્યતા નિષ્ણાતો વ્યક્ત કરે છે.
ડાયાબિટીસ અને સ્થૂળતા મુખ્ય કારણોમાં સામેલ
ફેટી લિવર વધવા પાછળના મુખ્ય જોખમકારકોમાં ટાઇપ-2 ડાયાબિટીસ, સ્થૂળતા, હાઈ બ્લડ પ્રેશર અને શારીરિક પ્રવૃત્તિનો અભાવ સામેલ છે. આથી એક સ્વાસ્થ્ય સમસ્યા માટે તપાસ કરાવવા આવતા દર્દીઓમાં અન્ય મેટાબોલિક સમસ્યાઓની પણ તપાસ કરવી જરૂરી બની શકે છે.




Leave a Comment