એનાલોગ પનીર અસલી દૂધમાંથી બનતું નથી. વધુ નફો કમાવવાના હેતુથી તેને દૂધના વિકલ્પ રૂપે તૈયાર કરવામાં આવે છે. તેમાં પામ ઓઈલ જેવા વનસ્પતિ તેલ, દૂધનો પાવડર અથવા દૂધના ઘન પદાર્થો, સ્ટાર્ચ, ઇમલ્સિફાયર અને અન્ય પ્રોસેસ્ડ ઘટકોનો ઉપયોગ થાય છે.
બીજી તરફ, અસલી પનીર તાજા દૂધમાં લીંબુનો રસ, વિનેગર અથવા સાઇટ્રિક એસિડ ઉમેરીને કુદરતી રીતે તૈયાર કરવામાં આવે છે. દેખાવ અને સ્વાદમાં એનાલોગ પનીર અસલી જેવું લાગી શકે છે, પરંતુ તેની બનાવટ અને પોષણમૂલ્યમાં મોટો તફાવત હોય છે.
ગુજરાત સરકારે શા માટે પ્રતિબંધ મૂક્યો?
તાજેતરમાં એવી અનેક ફરિયાદો સામે આવી હતી, કે કેટલીક હોટલો, રેસ્ટોરાં અને ખાણીપીણીના વેપારીઓ અસલી પનીરના બદલે એનાલોગ પનીર પીરસી રહ્યા હતા, પરંતુ ગ્રાહકોને તેની જાણ કરવામાં આવતી નહોતી.
સરકારનું માનવું છે, કે ગ્રાહકોને તેઓ શું ખાઈ રહ્યા છે તેની સાચી માહિતી મળવી જોઈએ. તેથી જાહેર આરોગ્યના હિતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અસલી અને એનાલોગ પનીર વચ્ચેનો તફાવત
સ્વાસ્થ્ય નિષ્ણાતોના જણાવ્યા મુજબ બંને વચ્ચે કેટલાક મહત્વના તફાવતો છે:
- અસલી પનીર સંપૂર્ણ દૂધમાંથી બને છે, જ્યારે એનાલોગ પનીર વનસ્પતિ તેલ અને પ્રોસેસ્ડ ઘટકોથી તૈયાર થાય છે.
- અસલી પનીરમાં પ્રોટીન, કેલ્શિયમ, ફોસ્ફરસ અને વિટામિન B12 જેવા પોષક તત્વો વધુ હોય છે.
- એનાલોગ પનીરમાં આ પોષક તત્વોનું પ્રમાણ ઓછું હોઈ શકે છે.
- એનાલોગ પનીરમાં પામ ઓઈલ અને સંતૃપ્ત ચરબીનું પ્રમાણ વધુ હોવાથી તેનું વધુ સેવન સ્વાસ્થ્ય માટે યોગ્ય માનવામાં આવતું નથી.
- ઉત્પાદન ખર્ચ ઓછો હોવાથી તે બજારમાં સસ્તા વિકલ્પ તરીકે વેચાય છે.
અસલી કે નકલી પનીર કેવી રીતે ઓળખશો?
નિષ્ણાતોના જણાવ્યા મુજબ પનીર ખરીદતી વખતે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
- પેકેટ પર “Analog Paneer”, “Non-Dairy Paneer” અથવા સમાન શબ્દો લખેલા છે કે નહીં તે તપાસો.
- અસલી પનીર સામાન્ય રીતે વધુ મોંઘું હોય છે, જ્યારે ખૂબ સસ્તું પનીર શંકાસ્પદ હોઈ શકે છે.
- અસલી પનીર નરમ અને કુદરતી ટેક્સચર ધરાવે છે, જ્યારે એનાલોગ પનીર વધુ રબર જેવું અથવા વધુ કઠણ લાગી શકે છે.
- વિશ્વસનીય બ્રાન્ડ અથવા પ્રમાણિત ડેરી ઉત્પાદકો પાસેથી જ પનીર ખરીદવું વધુ સુરક્ષિત માનવામાં આવે છે.
સ્વાસ્થ્ય માટે કેમ હોઈ શકે છે નુકસાનકારક?
જો એનાલોગ પનીર યોગ્ય માહિતી આપ્યા વિના અસલી પનીર તરીકે વેચવામાં આવે તો ગ્રાહકો સાથે છેતરપિંડી થાય છે.
ઉપરાંત તેમાં રહેલી વધુ સંતૃપ્ત ચરબી, પ્રોસેસ્ડ ઘટકો અને ઓછી પોષક ગુણવત્તા લાંબા ગાળે સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે. ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને નિયમિત પનીરનું સેવન કરતા લોકો માટે અસલી અને એનાલોગ પનીર વચ્ચેનો તફાવત જાણવો ખૂબ જરૂરી છે.




Leave a Comment