શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ભગવાનને ઘી અર્પણ કરે છે અને ધાર્મિક વિધિઓમાં તેનો ઉપયોગ કરે છે. ત્યારે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ લોકોને અપીલ કરી છે કે બજારમાં મળતા દરેક ઘીને શુદ્ધ માનીને ખરીદવું નહીં. તેમણે જણાવ્યું હતું કે ભક્તોએ ભગવાનને પણ ભેળસેળવાળું ઘી અર્પણ ન કરવું જોઈએ અને શક્ય હોય ત્યાં સુધી શુદ્ધ ઘીનો જ ઉપયોગ કરવો જોઈએ. રાજ્યમાં ભેળસેળ કરતી કેટલીક ફેક્ટરીઓ સામે કાર્યવાહી કરીને તેને સીલ કરવામાં આવી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
કંકુ અને માવામાં પણ ભેળસેળની આશંકા
પૂજામાં ઉપયોગમાં લેવાતા કંકુને લઈને પણ આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. કંકુમાં કેમિકલનો ઉપયોગ થતો હોવાની ફરિયાદો સામે આવી રહી છે, ત્યારે નાગરિકોએ ગુણવત્તાયુક્ત અને વિશ્વસનીય કંકુનો જ ઉપયોગ કરવો જોઈએ.
આ ઉપરાંત તહેવારો દરમિયાન માવા અને મીઠાઈની માંગમાં મોટો વધારો થાય છે. સસ્તા ભાવે મળતા માવા અથવા ‘સ્વીટ બરફી’ના નામે વેચાતા શંકાસ્પદ માવાની ખરીદી ટાળવા માટે પણ લોકોને સલાહ આપવામાં આવી છે.
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટનાઓ બાદ સવાલો
સુરતમાં તાજેતરમાં સામે આવેલી ફૂડ પોઈઝનિંગની ઘટનાઓ બાદ ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને ફૂડ સેફ્ટી અંગે ફરી સવાલો ઊભા થયા છે.
તહેવારો દરમિયાન મીઠાઈ, માવો અને ઘીની માંગ વધતી હોવાથી ભેળસેળખોરો સક્રિય થવાની શક્યતા પણ વધી જાય છે. આ સ્થિતિમાં માત્ર ગ્રાહકોને સાવચેત રહેવાની અપીલ પૂરતી છે કે પછી ભેળસેળખોરો સામે વધુ કડક અને સતત કાર્યવાહી થવી જોઈએ, તે મુદ્દે પણ ચર્ચા શરૂ થઈ છે.
‘જનતા સાવધાન રહે’ સાથે તંત્રની જવાબદારી પર સવાલ
સરકાર દ્વારા ગ્રાહકોને સાવધાન રહેવાની અપીલ કરવામાં આવી છે, પરંતુ બીજી તરફ સવાલ એ પણ છે કે બજારમાં ભેળસેળયુક્ત માલ પહોંચે જ નહીં તેની જવાબદારી કોની? ભેળસેળયુક્ત વસ્તુઓનું ઉત્પાદન, પેકિંગ અને વેચાણ કરનારાઓ સામે નિયમિત અને કડક કાર્યવાહી થાય તે જરૂરી છે.
સાથે જ આરોગ્ય અને ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા બજારમાંથી નિયમિત સેમ્પલ લેવામાં આવે અને લેબોરેટરી તપાસ પણ સઘન બનાવવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. તહેવારો દરમિયાન લોકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય તે માટે તંત્ર દ્વારા માત્ર અપીલ નહીં, પરંતુ ભેળસેળખોરો સામે અસરકારક કાર્યવાહી થાય તે હવે મહત્વનું બન્યું છે.




Leave a Comment