લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

જૂનાગઢમાં ચાર વર્ષના પ્રેમલગ્નનો કરુણ અંત! પત્નીની હત્યા બાદ પતિએ ટ્રેન સામે ઝંપલાવ્યું, અંતિમ વીડિયો વાયરલ

by

Thenewsdk

Updated: 20-08-2026, 10.43 AM

Follow us:

જૂનાગઢ જિલ્લાના કેશોદમાં ઘરકંકાસનો કરુણ અંજામ સામે આવ્યો છે. સુમનનગર વિસ્તારમાં ચાર વર્ષ પહેલાં પ્રેમલગ્ન કરનાર દંપતીના જીવનનો અંત અત્યંત દુઃખદ રીતે આવ્યો છે. પતિ ગિરીશ બાલસે પત્ની વિપુલાબેન ઉર્ફે વિજયાબેનની હત્યા કર્યા બાદ પોતે પણ કેશોદ નજીક રેલવે ટ્રેક પર જઈ ટ્રેન સામે ઝંપલાવી આપઘાત કરી લીધો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.

છેલ્લા કેટલાક સમયથી પતિ-પત્ની વચ્ચે ઘરકંકાસ
મળતી માહિતી મુજબ, ગિરીશ બાલસ અને વિપુલાબેનના ચાર વર્ષ પહેલાં પ્રેમલગ્ન થયા હતા. છેલ્લા કેટલાક સમયથી બંને વચ્ચે ઘરકંકાસ ચાલતો હતો. વિવાદ બાદ વિપુલાબેન થોડા સમય માટે પોતાના માવતરે રહેવા ગયા હતા. આશરે છ મહિના પહેલાં ગિરીશ તેમને પરત કેશોદ લઈ આવ્યો હતો અને બંને અલગ રહેતા હતા. જો, કે ત્યારબાદ પણ બંને વચ્ચે વિવાદ ચાલુ રહ્યો હોવાની માહિતી સામે આવી છે. આ દરમિયાન બનેલી ઘટનાએ સમગ્ર પરિવારને હચમચાવી દીધો છે.

પત્નીની હત્યા બાદ પતિએ બનાવ્યો વીડિયો
પ્રાથમિક માહિતી મુજબ, ગિરીશે પોતાના ઘરે પત્નીનું ગળું દબાવી તેની હત્યા કરી હતી. ત્યારબાદ તેણે એક વીડિયો બનાવ્યો હતો, જેમાં તેણે ઘટનાની જવાબદારી સ્વીકારી હોવાનો દાવો કર્યો છે. વીડિયોમાં તેણે પત્ની તરફથી માનસિક ત્રાસ મળતો હોવાના આક્ષેપો પણ કર્યા હતા. જો, કે આ તમામ આક્ષેપોની સત્યતા અંગે હાલ કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકાય તેમ નથી. સમગ્ર હકીકત પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

ટ્રેન સામે ઝંપલાવી પતિએ પણ જીવન ટૂંકાવ્યું
પત્નીની હત્યા બાદ ગિરીશ કેશોદ નજીકના રેલવે ટ્રેક પર પહોંચ્યો હતો. ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે તેણે તેની સામે ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતાં ડીવાયએસપી, કેશોદ પોલીસ ઈન્સ્પેક્ટર સહિતનો પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

પોલીસે મોબાઇલ કબજે લીધો, તપાસ શરૂ
પોલીસે મૃતક ગિરીશનો મોબાઇલ ફોન કબજે લીધો છે. તેમાં રહેલા વીડિયો, મેસેજ અને અન્ય ડિજિટલ પુરાવાની તપાસ કરવામાં આવી રહી છે. પતિએ વીડિયોમાં કરેલા દાવા અને ઘરકંકાસ પાછળના વાસ્તવિક કારણોની પણ તપાસ થશે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤