અમદાવાદ શહેરમાં લગ્ન નોંધણીની પ્રક્રિયામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા 1 ઓગસ્ટથી શહેરના તમામ 48 વોર્ડમાં ઓફલાઈન લગ્ન નોંધણીની સુવિધા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
હવે લગ્ન નોંધણી માટે માત્ર ઓનલાઈન પોર્ટલ મારફતે જ અરજી કરી શકાશે. જોકે, ઓફલાઈન વ્યવસ્થા સંપૂર્ણપણે બંધ કરવાના નિર્ણયને લઈને અનેક શહેરીજનોએ સવાલો ઉઠાવ્યા છે.
હવે ઓનલાઈન અરજી, બાદમાં કચેરીમાં હાજરી ફરજિયાત
અમદાવાદમાં દર વર્ષે અંદાજે 35 હજારથી વધુ લગ્નોની નોંધણી કરવામાં આવે છે. અત્યાર સુધી નવદંપતીઓ પોતાના વિસ્તારના શહેરી આરોગ્ય કેન્દ્રમાં આવેલી જન્મ-મરણ અને લગ્ન નોંધણી કચેરીમાં જઈને ઓફલાઈન નોંધણી કરાવી શકતા હતા.
પરંતુ, 1 ઓગસ્ટથી આ વ્યવસ્થા બંધ થઈ જશે. હવે અરજદારે AMCના ઓનલાઈન પોર્ટલ પર જઈ લગ્ન નોંધણી માટે અરજી કરવી પડશે અને જરૂરી દસ્તાવેજો પણ ઓનલાઈન અપલોડ કરવાના રહેશે.
દસ્તાવેજોની ચકાસણી બાદ કચેરીમાં જઈ સહી કરવી પડશે
ઓનલાઈન અરજી મળ્યા બાદ સંબંધિત કચેરી દ્વારા તમામ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે. જો કોઈ વાંધો નહીં હોય તો અરજદારે વોર્ડની નોંધણી કચેરીમાં હાજર રહી સહી કરવાની રહેશે, નિર્ધારિત ફી ભરવાની રહેશે અને ત્યારબાદ લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર આપવામાં આવશે. આ પ્રક્રિયા માટે અરજદારો પોતાની અનુકૂળતા મુજબ ઓનલાઈન સમય (સ્લોટ) પણ બુક કરી શકશે.
ઓનલાઈન છતાં એક વખત કચેરીએ જવું પડશે
નવી વ્યવસ્થા હેઠળ અરજી ભલે ઓનલાઈન થશે, પરંતુ પ્રમાણપત્ર મેળવવા માટે દંપતીએ ઓછામાં ઓછી એક વખત નોંધણી કચેરીમાં હાજર રહેવું ફરજિયાત રહેશે.
ડિજિટલ ગેપને લઈને ઉઠ્યા સવાલો
લોકોનું કહેવું છે કે ઓનલાઈન સુવિધા શરૂ કરવી આવકારદાયક છે, પરંતુ તેની સામે ઓફલાઈન સેવા સંપૂર્ણપણે બંધ કરવી યોગ્ય નથી. ઘણા લોકો હજુ પણ ડિજિટલ પ્રક્રિયામાં પારંગત નથી. આવા સંજોગોમાં તેમને ઓનલાઈન અરજી કરવા માટે એજન્ટ અથવા સાયબર કેફેનો સહારો લેવો પડશે,
જેના કારણે વધારાનો ખર્ચ પણ સહન કરવો પડી શકે છે. નવી વ્યવસ્થા અમલમાં આવ્યા બાદ તેની અસર ખાસ, કરીને વરિષ્ઠ નાગરિકો અને ટેક્નોલોજીથી અજાણ લોકો પર જોવા મળી શકે છે.




Leave a Comment