સોશિયલ મીડિયા પર ફેમસ થવાના અને ‘રીલ્સ’ બનાવવાના ચસકામાં લોકો પોતાના તેમજ પોતાના બાળકોના જીવને પણ જોખમમાં મૂકતા અચકાતા નથી. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક પુખ્ત વયનો વ્યક્તિ ચાલુ સ્કૂટર પર એક સગીર બાળક પાસે ડ્રાઇવિંગ કરાવી રહ્યો છે. આ વીડિયો સુખસર તાલુકાનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
હેલ્મેટ વગર જોખમી મુસાફરી
વાયરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક નાનું સગીર બાળક એક્ટિવા ચલાવી રહ્યું છે અને તેની પાછળ એક પુખ્ત વયનો શખ્સ આરામથી બેઠો છે. બાળકના હાથમાં સ્કૂટરનું સ્ટેયરિંગ છે અને બંનેમાંથી કોઈએ પણ હેલ્મેટ પહેર્યું નથી. માત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થવા અને રીલ બનાવવા માટે બાળકની આ પ્રકારે જીવના જોખમે કરાવાયેલી મુસાફરીથી ટ્રાફિકના નિયમોના ખુલ્લેઆમ લીરેલીરા ઉડ્યા છે.
વાલીની ઘોર બેદરકારી સામે લોકોમાં ભારે આક્રોશ
બાળકને ભગવાન ભરોસે મૂકીને આવી જોખમી સ્ટંટબાજી કરાવનાર જવાબદાર વાલીની આ ઘોર બેદરકારી સામે સ્થાનિક લોકો અને નેટિઝન્સમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
પોલીસ તંત્ર સામે કાર્યવાહીની માંગ
આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર લોકો માંગ કરી રહ્યા છે કે, ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર અને બાળકના જીવને જોખમમાં મૂકનાર વાલી સામે પોલીસ તંત્ર દ્વારા તાત્કાલિક કાયદાકીય તપાસ હાથ ધરવામાં આવે. બેદરકાર વાલીઓ સામે કડકમાં કડક પગલાં લેવાય જેથી ભવિષ્યમાં કોઈ આવી ભૂલ કરતાં પહેલાં સો વાર વિચારે.




Leave a Comment