Sanand murder case elderly woman suspicious death : છારોડી ગામમાં વસવાટ કરતી મદીનાબાનુ કુરેશી નામની વૃદ્ધા પોતાના ઘરે એકલી રહેતી હતી. કેટલાક દિવસોથી તેમના ઘરના દરવાજા પર તાળું લગાવેલું જોવા મળતું હતું, જે ગામના લોકોના ધ્યાનમાં આવ્યું. આટલા લાંબા સમયથી ઘરમાં તાળું જોતાં શંકા વધુ ગાઢ બની હતી. ગામના લોકોએ કોઈ અનિચ્છનીય બનાવ બન્યો હોવાની આશંકા વ્યક્ત કરી અને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.
માહિતી મળતાં જ સાણંદ GIDC પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ દ્વારા દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કરવામાં આવ્યો ત્યારે ઘરની અંદરથી વૃદ્ધાનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ દ્રશ્ય જોઈને પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઊઠ્યા હતા. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને તાત્કાલિક વધુ તપાસ માટે અન્ય એજન્સીઓને પણ બોલાવવામાં આવી હતી.
મૃતદેહને સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો
આ ઘટનાની તપાસમાં સહાય માટે SOG, LCB અને FSL જેવી ટીમો પણ સ્થળ પર પહોંચી હતી અને પુરાવા એકત્ર કરવાની કામગીરી શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે. અજાણ્યા શખસોએ કોઈ બોથડ હથિયાર અથવા ભારે વસ્તુ વડે વૃદ્ધા પર હુમલો કર્યો હતો, જેના કારણે તેમનું મોત થયું હતું.
વધુમાં, ઘટનાને છુપાવવા અથવા પુરાવા નાશ કરવા માટે મૃતદેહને સળગાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો
ઘટનાની જાણ થતાં જ ગામમાં લોકોના ટોળા એકત્રિત થવા લાગ્યા હતા. લોકોમાં ભય સાથે ગુસ્સાનો માહોલ પણ જોવા મળ્યો હતો. પોલીસ દ્વારા મૃતદેહનો કબજો લઈ તેને પોસ્ટમોર્ટમ માટે સાણંદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે,
જેથી મોતનું ચોક્કસ કારણ જાણી શકાય. હાલમાં પોલીસ માટે સૌથી મોટો સવાલ એ છે કે આ હત્યા પાછળનો મુખ્ય હેતુ શું હતો. શું આરોપીઓ લૂંટના ઇરાદે આવ્યા હતા કે પછી કોઈ જૂની અદાવતને કારણે આ ગુનો કરવામાં આવ્યો છે, તે અંગે તપાસ ચાલી રહી છે. આસપાસના લોકોની પૂછપરછ, ટેક્નિકલ પુરાવા અને અન્ય સૂત્રોના આધારે પોલીસ આરોપીઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.




Leave a Comment