અમદાવાદ શહેરના માર્ગો પર મોડી રાત્રે બેફામ દોડતા વાહનો હવે નિર્દોષ નાગરિકો માટે કાળ બની રહ્યા છે. વટવા વિસ્તારમાં બીબી તળાવ ચાર રસ્તા પાસે સોમવારે મધરાતે સર્જાયેલા એક કરુણ હિટ એન્ડ રનની ઘટનામાં 68 વર્ષીય વૃદ્ધ યુનુસભાઈ વોહરાનું કરુણ મોત નીપજ્યું છે.
આ સમગ્ર ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ જતાં તે ફૂટેજ હવે ફરાર કારચાલકને જેલભેગો કરવા માટે સૌથી મોટો પુરાવો બન્યા છે.
બોનેટ પર પટકાયા છતાં કારચાલકે બ્રેક ન મારી
સ્થાનિક સ્રોતો અને સીસીટીવીના આધારે સામે આવેલી વિગતો મુજબ, યુનુસભાઈ જ્યારે સોમવારે રાત્રે આશરે 12 વાગ્યાના સુમારે બીબી તળાવ ચાર રસ્તા પાસેથી રોડ ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે વટવા ગામ તરફથી પૂરપાટ ઝડપે ધસી આવેલી સ્કોર્પિયો કારે તેમને અડફેટે લીધા હતા.
ટક્કર એટલી જોરદાર હતી કે યુનુસભાઈ કારના બોનેટ પર પટકાયા હતા. દુર્ભાગ્યવશ, કારચાલકે માનવતા દાખવવાને બદલે કે ગાડી થોભાવવાને બદલે નીચે પડેલા વૃદ્ધ પર કારનું ટાયર ચડાવી દીધું હતું અને પળવારમાં સ્થળ પરથી નાસી છૂટ્યો હતો.
ગંભીર રીતે ઘવાયેલા યુનુસભાઈને સારવાર અર્થે ખસેડાયા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેમણે દમ તોડ્યો હતો.




Leave a Comment